ખંભાત ધાર્મિક આસ્થાનું શહેર છે. શહેરમાં અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. ખંભાત શહેરના 200 વર્ષ ઉપરાંત સૌથી જૂના વૈષ્ણવ સંપ્રદાયના મંદિર નવનીતપ્રિયજીની હવેલી ખાતે મંદિરના ગાદીપતિ હરિરાયજી મહારાજશ્રી (પોરબંદર-ખંભાત) તથા જયવલ્લભલાલજી મહોદયની ઉપસ્થિતિમાં આગામી તારીખ 18/08/2023થી તારીખ 23/08/2023 સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં મુખ્ય તારીખ 18/08/2023ને શુક્રવારના રોજ કુનવારો તથા તારીખ 20/08/2023ને રવિવારના રોજ છપ્પનભોગ મહોત્સવ સહિત વિવિધ મનોરથોનું આયોજન હાથ ધરવામાં આવેલા છે. આ પાવન અવસરે ખંભાત સહિત પેટલાદ, આણંદ, અમદાવાદ, મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા ભાવિક ભક્તો લાભ લેશે. તેમજ તારીખ 22/08/23થી 23/08/2023 તથા દરમિયાન મહારાજના દિવ્યપ્રવચનનું આયોજન પણ કરવામાં આવેલ છે. મંદિરના અધિકારીગણ તથા ખંભાતના વૈષ્ણવોમાં અનેરા ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે તથા આ મહોત્સવને યાદગાર અને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખંભાત તથા આસપાસના શહેરના ભાવિક ભક્તોને આ દિવ્ય મનોરથોના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
