Amreli News: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના દુઃખદ અવસાન બાદ આજે તેમની અંતિમયાત્રા અમરેલી ખાતે નીકળી હતી. છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી તેઓ પોતાના વતન ગામમાં રહીને સારવાર લઈ રહ્યા હતા, જ્યાં ટૂંકી માંદગી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રે શોકનું મોજું ફરી વળ્યું છે.
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા દરમિયાન સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. પિતાની વિદાયથી પુત્રી જેનીબેન અત્યંત ભાવુક થઈ ગયા હતા અને પિતાના અંતિમ દર્શન કરીને રડી પડ્યા હતા. તેમણે પિતાના પાર્થિવ શરીર પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સ્વયં અંતિમયાત્રાને કાંધ આપી હતી. એટલું જ નહીં, તેઓ ધર્મરથમાં બેસીને સ્મશાન સુધી પણ સાથે ગયા હતા, જેણે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની કરી દીધી હતી.
આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા પ્રસ્થાન થઈ હતી. પક્ષ-વિપક્ષના ભેદભાવ ભૂલીને સૌરાષ્ટ્ર અને રાજ્યભરના દિગ્ગજ નેતાઓ વીરજી ઠુમ્મરને અંતિમ વિદાય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી,જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી,પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત,સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
વીરજી ઠુમ્મરે માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ ઉત્તમ સેવાઓ આપી હતી. કોંગ્રેસના સંગઠનમાં અને સ્થાનિક રાજકારણમાં તેઓ લાંબા સમયથી સક્રિય રહ્યા હતા. તેમની આક્રમક રાજકીય શૈલી અને જનતાના પ્રશ્નો માટે લડી છૂટવાના સ્વભાવને કારણે રાજકારણમાં તેમની એક અલગ અને પ્રભાવશાળી ઓળખ ઊભી થઈ હતી, જે હંમેશાં યાદ રહેશે.
