અમરેલી: સવજીભાઈ ધોળકિયાએ આપેલા બિરુદ પર હસી પડ્યા દેશના ગૃહમંત્રી અમિત શાહ

સવજી ધોળકિયાએ અમિત શાહને ‘શતરંજના બાદશાહ’ કહેતા ગૃહમંત્રી અમિત શાહ હસી પડ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 29 Aug 2026 12:21 PM (IST)Updated: Sat, 29 Aug 2026 12:21 PM (IST)
savji-dholakia-call-amit-shah-king-of-chess-in-amreli-gujarat-gaurav-sarovar
ગૃહમંત્રી માટે સવજીભાઈના પુત્રની ખાસ ભેટ

Amit Shah Amreli Visit: દેશના ગૃહમંત્રી અમિત શાહની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર પદ્મશ્રી સવજી ધોળકિયાના ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ભવ્ય ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિશ્વ સરોવર દિવસના પવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં સવજી ધોળકિયાના સંબોધન અને અમિત શાહ માટેની ખાસ ભેટ સોગાદોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ ગોવિંદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી માટે સવજીભાઈના પુત્રની ખાસ શોધ: શતરંજ અને સિંહની ભેટ

કાર્યક્રમ દરમિયાન સવજી ધોળકિયાના પુત્ર બ્રિજેશે ગૃહમંત્રી અમિત શાહ માટે દિલ્હીથી ખાસ સંશોધન કરીને અદભુત શતરંજની ભેટ પસંદ કરી હતી. સવજીભાઈએ મંચ પરથી હળવા અંદાજમાં જણાવ્યું કે, "ભારતમાં મહાભારતને વર્ષો વીતી ગયા છે, પરંતુ આજના આધુનિક સમયમાં શતરંજના અસલી ખેલાડી અને બાદશાહ અમિત શાહ સાહેબ છે. તેથી તેમના માટે આનાથી નાની ભેટ ન હોઈ શકે."

સવજીભાઈની આ વાત સાંભળીને ખુદ અમિત શાહ પણ હસી પડ્યા અને તેમણે ધોળકિયા પરિવારને હસતાં હસતાં કહ્યું હતું કે, "આ શતરંજને પેક કરીને સીધું મારા ઘરે મૂકી જજો." આ ઉપરાંત, સવજીભાઈના પિતા ધનજી દાદા તરફથી અમિત શાહને એક ભવ્ય સિંહની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવી હતી.

આ ભેટ પાછળનો રસપ્રદ કિસ્સો શેર કરતા સવજીભાઈએ જણાવ્યું કે, બે દિવસ પહેલાં જ રાત્રે 6 સિંહ તેમની વાડી નજીક પાણી પીવા આવ્યા હતા. આથી, સરોવરના સાચા સિંહોના આગમનની ખુશીમાં "ભારતના સિંહ" સમાન અમિત શાહને સિંહની આ વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

પાણી અટકાવ્યું નથી, પૂર આવતું રોક્યું છે: ગુજરાત ગૌરવ સરોવર

સવજી ધોળકિયાએ 'ગુજરાત ગૌરવ સરોવર' વિશે ગર્વપૂર્વક જણાવ્યું કે, આ માત્ર પાણી સંગ્રહ કરવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પૂર આવતું અટકાવે છે, જેથી ખેતરો ધોવાઈ ન જાય. તેમણે આ સરોવરને એક એવું ગ્રાઉન્ડ બ્રેકિંગ મોડલ ગણાવ્યું જે સમગ્ર ભારતમાં અપનાવવામાં આવે તો દેશ કે વિશ્વમાં ક્યારેય પાણીની અછત નહીં સર્જાય.

સવજી ધોળકિયાએ જણાવ્યું કે, આજથી 2 વર્ષ પહેલાં અમિત શાહે તેમને પોતાના માટે એક સરોવર રાખવાનું વચન લીધું હતું, અને ત્યારથી ધોળકિયા પરિવારના 65 સભ્યો અને હજારો શ્રમિકોએ રાત-દિવસ એક કરીને પોતાની લાગણીઓ રેડીને આ ભવ્ય સરોવર તૈયાર કર્યું છે.

અમે ઢીલા પડ્યા ત્યારે મોદી સાહેબ-અમિત શાહે હિંમત આપી

પાણી બચાવવાના ભગીરથ કાર્યમાં આવતા અવરોધોને યાદ કરતા સવજીભાઈએ જણાવ્યું કે, કામમાં મુશ્કેલી આવે ત્યારે અમે સામાન્ય માણસો વારંવાર હિંમત હારી જઈએ છીએ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે હંમેશાં અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમણે યાદ કર્યું કે, વર્ષ 2017 માં કંપની અને પ્રથમ તળાવના લોકાર્પણ બાદ જ્યારે મુશ્કેલી આવી ત્યારે સરકારે વર્ષ 2021-22માં તેમને કોઈપણ અરજી વગર પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરીને મોટીવેટ કર્યા. ત્યારબાદ વર્ષ 2023-24 માં ભારત માતાની પ્રતિમાના ઓપનિંગ વખતે પણ તેમને પ્રોત્સાહન મળ્યું.

સરકારના અતુટ વિશ્વાસની વાત કરતા તેમણે જણાવ્યું કે, જ્યારે દેશમાં કડક નિયમો હેઠળ 5000 થી વધુ સંસ્થાના FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યા, ત્યારે ધોળકિયા ફાઉન્ડેશનના નામ અને કામ પર ભરોસો મૂકીને સરકારે તેમનું લાયસન્સ એપ્રુવ કરી આપ્યું હતું. આ પ્રોત્સાહનના બળે જ આજે ધોળકિયા ફાઉન્ડેશને 208 સરોવરો પૂર્ણ કરવાનું ભગીરથ લક્ષ્ય હાંસલ કર્યું છે. સવજીભાઈએ અંતમાં પ્રતિજ્ઞા લેતા જણાવ્યું કે, તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પાણી, પર્યાવરણ અને વૃક્ષોના જતન માટે અવિરત કાર્ય કરતા રહેશે.