Ingoriya Yudh Savarkundla: દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા સમગ્ર દેશમાં અદ્વિતીય અને આગવી ઓળખ ધરાવે છે. સાવરકુંડલા શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે વર્ષો જૂની પરંપરા મુજબ 'ઇંગોરીયા યુદ્ધ' રમવાની અનોખી પરંપરા આજે પણ એટલા જ જોશથી જળવાઈ રહી છે. રાત્રીના અંધારામાં રમાતી આ રમત દરમિયાન જાણે કોઈ રણભૂમિ કે ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ ખેલાતું હોય તેવા દ્રશ્યો સર્જાય છે, જ્યાં હર્બલ ગણાતા 'ઇંગોરીયા' નામના ફટાકડાઓ એકબીજા પર ફેંકીને નિર્દોસ આનંદ મેળવવામાં આવે છે.
દેવળા ગેટથી નાવલી નદી સુધી જામે છે જંગનો માહોલ
સંત અને શૂરાઓની ભૂમિ ગણાતી સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલી આવે છે. દિવાળીની રાત્રે શહેરના દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીના વિસ્તારમાં ઇંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે. રમતવીરો પરાગ ત્રિવેદી જણાવે છે કે આ રમતનો ઉત્સાહ અને રોમાંચ અદ્ભુત હોય છે, જેને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ યુદ્ધમાં કોઈપણ પ્રકારના જ્ઞાતિવાદ કે જાતિવાદ વગર હિન્દુ અને મુસ્લિમ સમુદાયના યુવાનો હળીમળીને ઉત્સાહભેર ભાગ લે છે.
સાંસદ, કલેક્ટર અને ધારાસભ્ય પણ બન્યા ઉત્સાહના ભાગીદાર
સાવરકુંડલાની આ પરંપરાગત રમતનો લહવો લેવા અને તેનો આનંદ માણવા માટે અમરેલીના સાંસદ ભરત સુતરીયા, અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને તેમના ધર્મપત્ની તથા ડાંગ જિલ્લાના એસપી પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નાવલી નદી ખાતે ભવ્ય ફાયર શો અને આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસદ ભરત સુતરીયાએ ઇંગોરીયા યુદ્ધને પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું. જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે આ રમત સાવરકુંડલાના ગૌરવવંતા શૌર્ય ઇતિહાસ સાથે જોડાયેલી છે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ આ રમતમાં ઉત્સાહભેર જોડાઈને સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
ચુસ્ત સુરક્ષા અને તંત્રની હાજરી
આટલી મોટી અને જોખમી જણાતી રમત શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. દિવાળીની રાત્રે યોજાતા આ ઇંગોરીયા યુદ્ધ દરમિયાન પોલીસ વિભાગ, ફાયર ફાઇટર અને તબીબી ટીમ (ડોક્ટરોની ટીમ) સતત ખડેપગે હાજર રહે છે. આગના ગોળા જેવા ઇંગોરીયા એકબીજા પર ફેંકીને રમાતી આ પરંપરા સાવરકુંડલાની સાંસ્કૃતિક ઓળખ બની ચૂકી છે, જે નવી પેઢીમાં પણ ભારે આકર્ષણનું કેન્દ્ર રહી છે.
