સૌરાષ્ટ્રના બજારોમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો, છૂટક માર્કેટમાં ભાવ ₹100 કિલો પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. માર્કેટયાર્ડમાં ₹20 કિલોના ભાવે વેચાતી ડુંગળી છૂટક બજારમાં ₹100 સુધી પહોંચતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 07:29 PM (IST)Updated: Thu, 15 Oct 2026 07:29 PM (IST)
saurashtra-onion-price-hike-consumers-pay-100kg-in-gujarat

Onion Price Hike Gujarat: સૌરાષ્ટ્રના બજારોમાં દૈનિક વપરાશની સૌથી મહત્વની જણસ ગણાતી ડુંગળીના ભાવમાં અચાનક આવેલા ઉછાળાથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર મોંઘવારીનો ડામ પડ્યો છે. સ્થાનિક બજારોમાં પુરવઠા અને માગના સમીકરણો ખોરવાતા ડુંગળીના ભાવમાં દરરોજ નવી વધઘટ નોંધાઈ રહી છે. હાલ પરિસ્થિતિ એ છે કે છૂટક માર્કેટમાં સારી ગુણવત્તા ધરાવતી ડુંગળી ગ્રાહકોને પ્રતિ કિલો ₹80 થી ₹100ના ભાવે ખરીદવી પડી રહી છે, જેના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના રસોડાનું માસિક બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગુણવત્તા મુજબ ભાવમાં મોટો તફાવત

બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા મુજબ, હવામાન અને આવકના આધારે અલગ-અલગ જગ્યાએ ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. હલકી કે સામાન્ય ગુણવત્તાની ડુંગળી કેટલાક વિસ્તારોમાં ₹30 થી ₹50 પ્રતિ કિલોના ભાવે મળી રહી છે, પરંતુ સારી અને પ્રીમિયમ ક્વોલિટીની ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

માર્કેટયાર્ડમાં ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે?

સૌરાષ્ટ્રના પ્રમુખ માર્કેટયાર્ડોમાં ડુંગળી વેચવા આવી રહેલા ખેડૂતોને તેમની ઉપજની ગુણવત્તા મુજબ રૂ. 500 થી રૂ. 700 પ્રતિ મણ (20 કિલો) સુધીના ભાવ મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને 'A+' ગ્રેડની ઉત્તમ ડુંગળીના મહત્તમ ભાવ ₹700 બોલાઈ રહ્યા છે. પાકના યોગ્ય ભાવ મળવાથી ખેડૂતોમાં થોડી રાહત જોવા મળી રહી છે.

યાર્ડ અને છૂટક બજાર વચ્ચે જમીન-આસમાનનો અંતર

એક તરફ ખેડૂતોને મળતા ભાવ અને બીજી તરફ ગ્રાહક સુધી પહોંચતા છૂટક ભાવ વચ્ચે બમણાથી પણ વધુ તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે, માર્કેટયાર્ડથી છૂટક બજાર સુધી માલ લાવવાનો પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન), હેરફેર મજૂરી, માલનો બગાડ (વેસ્ટેજ) અને સંગ્રહ ખર્ચને કારણે રિટેલ માર્કેટમાં કિંમતો બેકાબૂ બની જાય છે.