Mayabhai Aahir Land Dispute: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને કલાકાર માયાબાઈ આહીરના પરિવારની જમીન પચાવી પાડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મોટો ગુનો નોંધવામાં આવ્યો છે. માયાભાઈ આહીરના પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી FIR પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
4 હેક્ટર જમીન પર કબજાનો આરોપ
માયાભાઈ આહીરના પુત્રે નોંધાવેલી ફરિયાદ મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા પંથકના ધુડીયા આગરીયા ગામે આવેલ 4 હેક્ટર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવવામાં આવેલો હતો. આરોપી જેતુભાઈ ધાખડા દ્વારા વર્ષ 2024થી જ કોઈ સરકાર માન્ય આધાર પુરાવાઓ વિના જ આ જમીન પર કબજો જમાવીને વાવેતર કરાયું. તેમજ તે જમીન પર કરાયેલા વાવેતરમાંતી ઉપજ મેળવીને આર્થિક લાભ મેળવ્યો હતો.
વીડિયો વાયરલ કરી કર્યા હતા આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, જમીનનો આ વિવાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં હતો. અગાઉ આરોપી જેતુભાઈ ધાખડા દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સામે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા, જેમાં ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. આ અંગે અગાઉ પોલીસ સ્ટેશનમાં અનેક અરજીઓ થઈ ચૂકી હતી, જે બાદ હવે માયાભાઈ આહીરના પુત્રએ સત્તાવાર ફરિયાદી બનીને FIR નોંધાવી છે.
રજૂઆતો છતાં જમીન ખાલી ન કરી
ફરિયાદી પક્ષ દ્વારા વારંવાર જમીનનો કબજો ખાલી કરવા માટે રજૂઆતો કરવા છતાં આરોપીએ જમીન ખાલી કરી ન હતી. સમગ્ર મામલે માયાભાઈ આહીરના પુત્રે ફરિયાદ દાખલ કરતાં હાલ સમગ્ર મામલાની તપાસ રાજુલા ડીવાયએસપી એન.બી. ગોરડીયાને સોંપાઈ છે . પોલીસ સૂત્રો મુજબ, આરોપી જેતુ ધાખડાની ધરપકડ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરુ કરાઈ છે. તેમજ ખૂબ જ ટૂ્ંક સમયમાં આરોપીની અટકાયત કરવામાં આવશે.
