અમરેલી: શેત્રુંજીના પટમાં ફરજ પરના વનકર્મી પર સિંહણનો હુમલો, સાથીઓએ જીવના જોખમે ઉગાર્યા

અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદીમાં રૂટીન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વનકર્મી ગોહાભાઈ પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત ટ્રેકરની સ્થિતિ સ્થિર. પંથકમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 06:14 PM (IST)Updated: Mon, 17 Aug 2026 06:14 PM (IST)
lioness-attacks-forest-worker-on-duty-in-shetrunji-riverbed-colleagues-save-him-at-the-risk-of-their-own-lives

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા ચાંદગઢ ગામ નજીક માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની ચિંતાજનક ઘટના સામે આવી છે. શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં વન્યજીવોના લોકેશન ટ્રેક કરવાની નિત્યક્રમ કામગીરી કરી રહેલા વન વિભાગના ટ્રેકર પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ટ્રેકર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

નદીના પટમાં અચાનક ત્રાટકી સિંહણ

મળતી વિગતો અનુસાર, ચાંદગઢ રાઉન્ડમાં શેત્રુંજી નદીના પટમાં વન વિભાગની ટીમ લોકેશન મેળવવાની કામગીરીમાં વ્યસ્ત હતી. આ દરમિયાન ઘાટી ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે વનકર્મી ગોહાભાઈ પર હુમલો કરી દીધો હતો. સિંહણે ગોહાભાઈને પંજા મારીને તીક્ષ્ણ બચકા ભરી લેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ઘટના સ્થળે હાજર સાથી ટ્રેકર્સ અને બીટગાર્ડે ભારે હિંમત અને સમયસૂચકતા દાખવી સિંહણને હાંકી કાઢવાના પ્રયાસો કર્યા હતા. સાથી કર્મચારીઓના ભારે અવાજ અને વિરોધને કારણે સિંહણ ગોહાભાઈને છોડીને જંગલ તરફ ભાગી ગઈ હતી.

ઇજાગ્રસ્ત ટ્રેકરની સ્થિતિ સ્થિર, પેટ્રોલિંગ વધારાયું

ઇજાગ્રસ્ત વનકર્મીને તાત્કાલિક અસરથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ હાલ સુધારા પર અને સ્થિર છે. ઘટના અંગે જાણ થતાં જ મદદનીશ વન સંરક્ષક ડૉ. રાજન જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને વન વિભાગે ચાંદગઢ અને આસપાસના સીમ વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

ચોમાસાની ઋતુમાં વન વિભાગની ખાસ અપીલ

મદદનીશ વન સંરક્ષક ડૉ. રાજન જાદવે જણાવ્યું હતું કે ચોમાસામાં સીમ વિસ્તારમાં ઝાડી-ઝંખાળ અને ઘાસ ખૂબ વધી જવાથી વન્યજીવો નજરે પડતા નથી. જેથી સ્થાનિક રહીશોએ સીમમાં જતી વખતે ખાસ સાવચેતી રાખવી, રાત્રે એકલા જવાનું ટાળવું તેમજ ટોર્ચ અને લાકડી સાથે રાખવી. કોઈપણ કટોકટીના સમયે વન વિભાગની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1926 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

પંથકમાં વન્યજીવોના હુમલાની ચોંકાવનારી ઘટનાઓ

છેલ્લા કેટલાક મહિનાઓથી અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે:

જૂન-જુલાઈ 2026: કુવાયા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં સિંહના હુમલાથી બાળકો અને શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.

ઓગસ્ટ 2026: સાવરકુંડલાના અભરામપરા ગામે 4 સિંહણો રસ્તા પર બેસી રહીને ભયનો માહોલ સર્જ્યો હતો.

રાજુલા: રાત્રિના સમયે આશ્રમ પરિસરમાં દીપડો ઘૂસી આવવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

ધારી (દેવલા): દુકાન બહાર બાંધેલા ગાયના વાછરડાનું સિંહે ગણતરીની સેકન્ડોમાં મારણ કર્યું હતું.