Amreli News: ધારીના જળજીવડી ગામે મકાનમાં સૂતેલી 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઇજા

અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે એક રહેણાંક મકાનમાં ઘૂસી આવેલા દીપડાએ 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડાઈ છે અને વન વિભાગે તપાસ શરૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 05:51 PM (IST)Updated: Mon, 10 Aug 2026 05:51 PM (IST)
leopard-attacks-8yearold-girl-sleeping-in-house-in-jaljivadi-village-of-dhari-seriously-injured

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના વધતા જતા ઉપદ્રવ અને માનવ વસ્તીમાં તેના પ્રવેશની ઘટનાઓ અટકવાનું નામ નથી રહી. તાજા કિસ્સામાં, ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક એક રહેણાંક મકાનમાં ઘૂસી આવેલા દીપડાએ ૮ વર્ષની નાની બાળકીને પોતાનું નિશાન બનાવી હોવાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જળજીવડી ગામ નજીક રહેતા વિનુભાઈ પાટડીયાના ઘર પાસે અચાનક દીપડો આવી ચઢ્યો હતો. આ દરમિયાન ઘરમાં સૂતેલી 8 વર્ષની માસૂમ દીકરી ક્રિષ્નાબેન વિનુભાઈ પાટડીયા પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. બાળકીની ચીસો સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો અવાજ અને દેકારો સાંભળીને દીપડો બાળકીને મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ડરનો માહોલ છવાઈ ગયો હતો.

દીપડાના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી બાળકીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની પ્રવર્તમાન સ્થિતિ પર ડોક્ટરોની ટીમ નજર રાખી રહી છે.ઘટનાની જાણ થતાં જ દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી હતી.