ખાંભામાં દિવાળીની સાંજે હત્યાકાંડ: ભાડાની અદાવતમાં 7 શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અમરેલીના ખાંભામાં દિવાળીની સાંજે ભાડાની અદાવતમાં સમાધાનના બહાને આવેલા 7 શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા કરી નાખી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 08:06 AM (IST)Updated: Tue, 10 Nov 2026 08:06 AM (IST)
khambha-murder-case-7-people-stabbed-youth-to-death-over-rent-dispute-in-amreli

Khambha Murder Case: અમરેલી જિલ્લાના ખાંભામાં ગત 9 નવેમ્બર, એટલે કે દિવાળીની સાંજે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. આ સનસનાટીભર્યા ઘાતકી હત્યાકાંડમાં સાતેક જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે બીજી તરફ આ ઘાતકી હત્યાકાંડમાં પાંચ અન્ય વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. ઘાયલ યુવકને ત્વરિત સારવાર હેઠળ ખસેડવામાં આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મોત નિપજ્યું હતું.

સમાધાનને બહાને ઘાતકી હુમલો

મળતી વિગત મુજબ, ખાંભામાં સ્થિત માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ભંગારના ડેલા પાસે આ લોહિયાળ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. જૂના ગામમાં ભંગારનો ડેલો ચલાવતા સલીમભાઈ દાઉદભાઈ સોલંકી અને તેની બાજુમાં રહેતા નઈમ આરીફભાઈ ચૌહાણ વચ્ચે લાંબો સમય મિત્રતા હતી. નઈમને અગાઉ વાંકીયા ગામના હબીબશા રજબશા પઠાણ સાથે ભાડા બાબતે તકરાર થઈ હતી. આ જ મનદુ:ખને ઉકેલવા માટે હબીબશા સહિત 7 શખ્સો સમાધાનના ઉદ્દેશ્યથી ખાંભા આવ્યા હતા. અને નઈમને ભંગારના ડેલા પાસે બોલાવ્યો હતો.

બોલાચાલી બાદ હુમલો, વચ્ચે પડેલા યુવકનું મોત

સમાધાનની વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હબીબ પઠાણ, રિઝવાન હબીબ પઠાણ, ઓસમાણ રજબશા પઠાણ, અકીલ ઓસમાણ પઠાણ, અબ્દુલ મુસા રફાઈ અને બે અજાણ્યા શખ્સોએ અચાનક છરી જેવા ઘાતક હથિયારો વડે નઈમ પર હુમલો કરી દીધો હતો.

નઈમને બચાવવા માટે ભંગારના ડેલામાં કામ કરતા સલીમભાઈ સોલંકી, તેમના ભાઈ સુલતાનભાઈ સોલંકી અને આરીફભાઈ સહિતના લોકો વચ્ચે પડ્યા હતા. હુમલાખોરોએ તમામ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં સુલતાનભાઈ સોલંકીને પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને ખાંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું ભરેલું મોત નીપજ્યું હતું.

પોલીસ દ્વારા હુમલાખોરોની ધરપકડ માટે તજવીજ

ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જતાં તમામ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સલીમભાઈ સોલંકીએ ખાંભા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ખાંભા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા તમામ હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને ચક્ર ગતિમાન કર્યા છે. દિવાળીના દિવસે જ બનેલી આ ઘટનાથી સમગ્ર ખાંભા પંથકમાં અરેરાટી અને સપોટાભર્યો માહોલ સર્જાયો છે.