Gujarat Rain: આજે સવારથી રાજ્યભરમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીના ખાંભા પંથકમાં મેઘરાજાએ જાણે કે તાંડવ કર્યો હોય તે ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે તાતણીયા સ્થાનિક નદીએ રૌદ્રરુપ ધારણ કર્યું છે. નદીમાં ઘોડાપૂર આવતા પૂરના પાણી મંદિરમાં ફરી વળ્યા હતા.
ગઢિયા ગામની સ્થાનિક નદીમાં પૂર
અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા પથંકમાં ભારે વરસાદના પગલે અનેક ગામોમાં રસ્તાઓ પાણી ભરાયા હતા. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના ગીર ભાણીયા, ગીદરડી, ધાવડિયા, લાસા પીપળવા, તાતણીયા સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે ગામમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ધારી ગીરના વિરપુર, ગઢીયા, દેવળામાં ધોધણાર વરસાદ વરસ્યો છે. ગઢિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.
ખોડિયાર મંદિરમાં પૂરના પાણી ફરી વળ્યા
ખાંભાના તાતળીયામાં ભારે વરસાદના પગલે સ્થાનિક હદીયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીએ રૌદ્રરુપ ધારણ કર્યું હતું. તાતણીયા ગામ પાસેથી નદીનો પ્રચંડ પ્રવાહ વહ્યો હતો અને પૂરના પાણી ગામના ખોડિયાર મંદિરમાં ફરી વળ્યા હતા. ગામમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામમાં પણ જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. જેના કારણે ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજે કેટલો વરસાદ વરસ્યો
આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે નોંધાયેલા આંકડા અનુસાર, અમરેલી જિલ્લામાં ખાંભામાં 43 મિ.મી., જાફરાબાદમાં 19, સાવરકુંડલામાં 4 મિ.મી., લિલિયામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
