Gujarat Local Body Election Result: જાફરાબાદમાં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 28 બેઠક કબજે કરી

ભાજપ 16 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ હતી. આજે 12 બેઠક ભાજપનાં ફાળે આવી છે. આ રીતે ભાજપે 28 બેઠકો કબજે કરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 18 Feb 2025 04:36 PM (IST)Updated: Tue, 18 Feb 2025 04:36 PM (IST)
gujarat-local-body-election-result-bjp-wins-saffron-in-jaffrabad-captures-all-28-seats

Gujarat Local Body Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ભાજપે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમરેલીની જાફરાબાદ નગરપાલિકામાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. આ ભવ્ય જીત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તમામ મતદારોનો આભાર માન્યો હતો.

જાફરાબાદમાં ભાજપનો ભગવો લહેરાયો
જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપની તમામ બેઠક ઉપર જીત થઈ હતી. ભાજપ 16 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ હતી. આજે 12 બેઠક ભાજપનાં ફાળે આવી છે. આ રીતે ભાજપે 28 બેઠકો કબજે કરી છે.

5 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી હતી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ હતી. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતા.