Gujarat Bulldozer Action: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામે આવેલ એક મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને પગલે આજે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ચાલતા આ મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ગુજરાત ATS આ મૌલાનાની સઘન તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી અંગે માહિતી આપતા ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૌલાનાની ધરપકડ થયા બાદ સમગ્ર મામલાની તપાસ રેવન્યુ વિભાગને સોંપવામાં આવી હતી. વિભાગ દ્વારા મકાનના ટાઇટલની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ મકાન આશરે 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું.
આ પ્લોટ અગાઉ લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે તે લાભાર્થી દ્વારા આ પ્લોટ ક્યાં તો દાનમાં આપવામાં આવ્યો હતો અથવા તો તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, લેન કમિટીના નિયમો અનુસાર આ પ્રકારનું હસ્તાંતરણ શરતભંગ ગણાય છે. આથી આ પ્લોટને સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને તેના પરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
હાલમાં પોલીસ અને ATSની ટીમ આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને મૌલાનાના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
