Gas cylinder registration: ઈરાન અને ઇઝરાયેલ- અમેરિકાના યુદ્ધના કારણે લોકો હેરાન થયા છે. ભારતભરમાં હાલ પેટ્રોલિયમ પેદાશો તેમજ ગેસ સહિતની કેટલી વસ્તુઓમાં તંગી જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશનને લઈને ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરકારની વ્યવસ્થા સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગેસ લેવા માટે ગ્રાહકોની લાઈનો લાગી
સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ ગેસ ધારકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ મોબાઈલ પર કન્ફર્મેશન મેસેજ ન આવતા, મજબૂર બનીને ગ્રાહકોએ એજન્સી પર ધક્કા ખાવા પડી રહ્યા છે.
લોકોએ તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો
સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા અનુસાર, સાવરકુંડલા મામલતદાર તંત્ર આ બાબતે સંપૂર્ણપણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે. સરકારી નિયમોના પાલન વચ્ચે સામાન્ય જનતા પીસાઈ રહી છે. એક તરફ સરકાર પેપરલેસ અને ડિજિટલ કામગીરીની વાતો કરે છે, તો બીજી તરફ સામાન્ય રજિસ્ટ્રેશન માટે પણ લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રાખવા એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
