અમરેલીના દૂધાળામાં 4 કરોડના ખર્ચે ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ, 27 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

અમરેલીના લાઠી સ્થિત દૂધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'ગુજરાત ગૌરવ સરોવર'નું 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 25 Aug 2026 05:05 PM (IST)Updated: Tue, 25 Aug 2026 05:15 PM (IST)
construction-of-gujarat-gaurav-sarovar-in-dudhala-amreli-at-a-cost-of-4-crore-inauguration-by-home-minister-amit-shah-on-august-27

Gujarat Gaurav Sarovar: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જળસંપત્તિ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયક કાર્ય આકાર પામ્યું છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના 'ધોળકિયા ફાઉન્ડેશન' દ્વારા નિર્મિત વિશાળ ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આગામી 27 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કાયમી ધોરણે પાણીની અછત દૂર કરવાની દિશામાં આ સરોવર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

24 કરોડ લિટર પાણી સંગ્રહવાની ભવ્ય ક્ષમતા

અંદાજિત 4 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 'ગુજરાત ગૌરવ સરોવર' જળ સંરક્ષણ અને એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. આશરે 80 હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલા આ સરોવરમાં અંદાજિત 24 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે. ચોમાસાના વહી જતા વરસાદી પાણીનો અહીં સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે, જેથી ઉનાળામાં પણ પાણીની વિકટ સમસ્યામાંથી મુક્તિ મળશે.

ખારાપાટમાંથી ક્રાંતિ: ગાગડિયા નદીનો જીર્ણોદ્ધાર

વર્ષ 2017 સાલ પહેલાં ગાગડિયા નદીની આસપાસનો સમગ્ર વિસ્તાર 'ખારાપાટ' તરીકે ઓળખાતો હતો. અપૂરતા વરસાદ અને જળસંચયના અભાવે ખેતી સુકાઈ ગઈ હતી અને ખેડૂતો ભારે આર્થિક સંકટનો સામનો કરતા સુરત જેવા શહેરો તરફ પલાયન કરી રહ્યા હતા. પરંતુ, ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી જળક્રાંતિ અભિયાન શરૂ કરાયું. આ અભિયાન હેઠળ ગાગડિયા નદીના 57 કિલોમીટર લાંબા વિસ્તારને પુનર્જીવિત કરીને 40 જેટલા ચેકડેમ અને નાના-મોટા સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

70થી વધુ ગામોને સીધો ફાયદો, ખેડૂતોની આવકમાં વધારો

આ મહાઅભિયાનના પરિણામે અમરેલીનો સૂકો ખારાપાટ આજે લીલાછમ ખેતરોમાં ફેરવાઈ ગયો છે. લાઠી અને આસપાસના 70થી વધુ ગામડાંના હજારો ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીનો સીધો લાભ મળ્યો છે. ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી હવે ખેડૂતો વર્ષમાં 2 થી 3 પાક લેતા થયા છે. તેનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને જમીનની ફળદ્રુપતા વધતા જમીનના ભાવમાં પણ અનેકગણો ઉછાળો આવ્યો છે.

અમિત શાહ સાથેની સ્મરણીય ક્ષણ અને સવજી ધોળકિયાની કૃતજ્ઞતા

આ પ્રસંગે સવજીભાઈ ધોળકિયાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- ગૃહમંત્રી અમિત શાહ પોતે આ કાર્યને પ્રોત્સાહિત કરવા દુધાળા આવી રહ્યા છે તે સમગ્ર ગ્રામજનો માટે ગૌરવની વાત છે. તેમણે ભૂતકાળનો પ્રસંગ વાગોળતાં ઉમેર્યું કે, પૂર્વ મુલાકાત દરમિયાન અમિત શાહે જળસંચયના આ સામાજિક કાર્યની સરાહના કરી હતી અને તેમના માટે પણ એક સરોવર બાકી રાખવા તેમજ ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે.