વર્ગખંડ બની ગયો વંડરલેન્ડ, જાણો અમરેલીના શિક્ષક 'રઘુ રમકડાં'ની પ્રેરણાદાયી સફર

શિક્ષક દિવસ નિમિત્તે જાણો અમરેલીના 'રઘુ રમકડું' (રાઘવ કટકિયા) વિશે, જેઓ રમત-ગમત અને કલાના માધ્યમથી સરકારી શાળાના બાળકોને ગમ્મત સાથે શિક્ષણ આપે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 05 Sep 2026 02:26 AM (IST)Updated: Sat, 05 Sep 2026 02:26 AM (IST)
amrelis-ragu-ramakdu-teacher-raghavjibhais-inspiring-journey

Teachers Day: આજે જ્યારે ચોતરફ શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમાજમાં કેટલાક એવા પણ શિક્ષકો છે જેમના માટે વર્ગખંડ એ માત્ર નોકરીનું સ્થળ નથી, પરંતુ બાળકોના ભવિષ્યને કંડારવાનું એક પવિત્ર મંદિર છે. આવી જ એક પ્રેરણાદાયી મિસાલ એટલે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવજીભાઈ કટકિયા, જેમને આખું ગામ અને ભૂલકાંઓ વહાલથી 'રઘુ રમકડું' તરીકે ઓળખે છે.

બાળક સાથે બાળક બની જવાની અનોખી કળા

સામાન્ય રીતે સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો અભિગમ ઉદાસીનતાપૂર્વકનો હોય છે, પરંતુ રઘુ રમકડાં જેવા નિષ્ઠાવાન શિક્ષકોએ આ ધારણાને સાવ બદલી નાખી છે. તેઓ વર્ગખંડમાં માત્ર પાઠ્યપુસ્તકની ભાષા નથી બોલતા, પરંતુ નાટક, સંગીત, વાર્તા અને ભાત-ભાતની રમતો દ્વારા કઠિન વિષયોને સાવ સરળ બનાવી દે છે. બાળક સાથે પોતે પણ બાળક બની જઈને ભણાવવાની એમની અનોખી શૈલીને કારણે જ બાળકો દરરોજ શાળાએ આવવા માટે અત્યંત આતુર રહે છે.

પોતાના ખર્ચે બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ

અંતરિયાળ અને ઓછો સાક્ષરતા દર ધરાવતા વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાઘવજીભાઈએ પોતાના અંગત ખર્ચે પણ અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી છે. શાળામાં તેઓ માત્ર એક શિક્ષક તરીકે સેવા નથી આપતા, પરંતુ બાળકો માટે માતા, પિતા અને એક સાચા મિત્રની ભૂમિકા પણ સહજતાથી ભજવે છે.

સંઘર્ષમય બાલ્યાવસ્થાથી 'રઘુ રમકડું' બનવાની સફર

અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામના વતની રાઘવભાઈની પોતાની બાલ્યાવસ્થા સંઘર્ષોથી ભરેલી હતી. તેમના માતા-પિતા રાત્રે 12 વાગ્યે ઉઠીને ઈંટો પાડવાનું મજૂરી કામ કરતા હતા. બાળપણમાં શાળા અને શિક્ષકોના ડરથી તેઓ પ્રથમ અને બીજા ધોરણમાં શાળાએથી ભાગી જતા હતા. પરંતુ ત્રીજા અને ચોથા ધોરણમાં રમેશભાઈ જોટંગીયા અને અનીલાબેન નામના શિક્ષકોએ તેમનામાં રહેલી ચિત્રકળાની સુષુપ્ત શક્તિઓને ઓળખીને પ્રોત્સાહન આપ્યું, જ્યાંથી રાઘવભાઈના જીવનની દિશા સદા માટે બદલાઈ ગઈ.

વર્ષ 2015માં જ્યારે તેમને અમરેલીના દરિયાકાંઠાના મિતિયાળા ગામની શાળામાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું, ત્યારે તેમણે જોયું કે શ્રમિક પરિવારોમાંથી આવતા બાળકો શાળાએ આવવા માંગતા નહોતા. નાના બાળકો શાળાના વાતાવરણથી ડરે નહીં અને ખુશી-ખુશી ભણવા આવે તે માટે રાઘવભાઈએ પોતે જ વર્ગખંડમાં એક "રમકડું" બની જવાનો નિર્ણય કર્યો.

શિક્ષણ સાથે સંસ્કાર અને માતૃવાત્સલ્યનો સમન્વય

શરૂઆતમાં માત્ર 5,700 રૂપિયા જેવા નજીવા ફિક્સ પગારમાં પણ તેઓ પોતાના ખર્ચે બાળકો માટે નાસ્તો, ચપ્પલ કે કપડાં લાવતા હતા. બાળકોના વાળ ઓળવા, નવડાવવા કે યુનિફોર્મ સાંધી આપવા સુધીની તમામ જવાબદારી તેમણે એક માતાની જેમ જ ઉપાડી લીધી હતી.

વર્ગખંડમાં રોચક રીતે જ્ઞાન આપવા માટે તેઓ અલગ-અલગ વેશભૂષા ધારણ કરતા—ક્યારેક વાંદરું તો ક્યારેક દાદીમા કે દાદા બનીને અભિનય ગીતો અને પપેટ શો દ્વારા ભણાવતા. આ ઉપરાંત નાળિયેરની કાચલી અને કેરીની ગોઠલી જેવી નકામી વસ્તુઓમાંથી દેશી અવાજ કરતા રમકડાં બનાવીને તે વિજ્ઞાન અને ગણિતના જટિલ સિદ્ધાંતો રમત-રમતમાં શીખવતા હતા.

સામાજિક બદલાવ અને અશક્યને શક્ય બનાવતી ચળવળ

તેમની આ અનોખી પદ્ધતિથી માત્ર બાળકો જ ભણ્યા નથી, પરંતુ ગામના ઘરો સુધી એક મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે. બાળકોએ વર્ગખંડમાં શીખેલા નાટકોના આધારે ઘરે જઈને પોતાના પિતાને વ્યસનની હાનિકારકતા સમજાવી, જેના પરિણામે કેટલાય પરિવારો આજે સંપૂર્ણપણે વ્યસનમુક્ત બન્યા છે.

સાથે જ કન્યા કેળવણી ક્ષેત્રે પણ મોટો સુધારો થયો છે; જે ગામમાંથી દીકરીઓને 4 કિલોમીટર દૂર ભણવા માટે પણ નહોતી મોકલાતી, ત્યાંની દીકરીઓ આજે PTC, PhD અને પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી ઉચ્ચ કારકિર્દી બનાવી રહી છે. 9 વર્ષની સેવા બાદ જ્યારે રાઘવજીભાઈની બદલી થઈ, ત્યારે આખું ગામ અને ખાસ કરીને અનાથ દીકરી શારદા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જે તેમના પ્રત્યેના લગાવની સાક્ષી પૂરે છે.

રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ મળેલી વિશેષ ઓળખ

તેમના આ શૈક્ષણિક ઇનોવેશનની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી છે. તેઓ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં સતત ૩ વર્ષ સુધી પ્રથમ ક્રમાંકે રહ્યા છે. આ ઉપરાંત NCERT દ્વારા દેશી રમકડાં અને રમતોના સંવર્ધન માટે ગુજરાત સહિત 6 રાજ્યોના નિષ્ણાત (Expert) તરીકે તેમની ખાસ પસંદગી કરવામાં આવી છે.

વિષમ પરિસ્થિતિઓમાં પણ અપ્રતિમ કર્તવ્ય નિષ્ઠા

એક સમયે રાઘવભાઈના પિતાને કેન્સરની ગંભીર બીમારી અને દોઢ વર્ષના પુત્રના ઓપરેશનની સ્થિતિ એકસાથે આવી પડી હતી. હોસ્પિટલના ચક્કર અને શાળા વચ્ચે ૧૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં તેમણે ક્યારેય બાળકોની હાજરી કે ભણતરમાં સહેજ પણ બાંધછોડ કરી નહોતી.

આજે 'રઘુ રમકડું' એ માત્ર એક શિક્ષક નથી પરંતુ ગુજરાતની સમગ્ર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા માટે એક પ્રેરણાદાયી મિશાલ બની ચૂક્યા છે. શિક્ષક દિવસના આ પવિત્ર અવસરે 'રઘુ રમકડું' જેવા સમર્પિત ગુરુઓને શત શત વંદન, જેઓ કોઈપણ ભૌતિક સ્વાર્થ વગર બાળમાનસમાં જ્ઞાનનો અજવાળ પાથરી રહ્યા છે.