અમરેલી-સાવરકુંડલા હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવર સહિત 4ના મોત; 3 ગંભીર

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ ઘટનામાં બસ ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 11:38 AM (IST)Updated: Fri, 20 Nov 2026 11:38 AM (IST)
amreli-savarkundla-highway-accident-today-4-dead-and-3-injured-in-gsrtc-bus-crash

Amreli Savarkundla Highway Accident: અમરેલી જિલ્લામાં સલામત સવારી ગણાતી એસટી બસ જ અકસ્માતનું કારણ બનતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. અમરેલી–સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એસટી બસના ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અકસ્માતમાં બાઈક ત્રણ લોકોના મોત

પ્રાથમિક વિગતો મુજબ, અમરેલી–સાવરકુંડલા રૂટની એસટી બસે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર પરિવારના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં બાઇકસવાર ગોગાનભાઈ સોલંકી (ઉંમર 37 વર્ષ), નીતિન ગોગાન સોલંકી (ઉંમર 4 વર્ષ) અને ધૃતિ ગોગાન સોલંકી (ઉંમર 6 માસ)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે પરિવારની અન્ય એક સભ્યને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

એસ.ટી ચાલકનું ઘટના સ્થળે મોત

બીજી તરફ, આ અકસ્માતમાં એસટી બસના ચાલક મેહુલ વાળાનું પણ મોત નીપજ્યું છે. આમ, એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ ચાર લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તેમજ એસટી નિગમના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ચાલકનું મોત થતાં એસટી વિભાગમાં શોક

અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે. બીજી તરફ એસટી બસના ચાલકનું પણ મોત થતાં એસટી નિગમમાં શોકની લાગણી પ્રસરી છે. આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, એસટી બસની ઝડપ કેટલી હતી અને બસચાલકનું વાહન પરથી નિયંત્રણ કેમ ગુમાવ્યું તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.