Amreli Rain: રાજુલા પંથકમાં થયેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે જોલાપરી નદીમાં પૂર આવ્યું હતું. પુલનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ભયાવહ પરિસ્થિતિ વચ્ચે એક કરુણ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, રાજુલાના રાજપરડા-ગાજાવદર વચ્ચે આવેલા જોલાપરી નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી. આ ઘટનામાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ગાજાવદર ગામના ભગવાન વાઘ તરીકે થઈ છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
રાજુલાના મામલતદાર અને ટીડીઓની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. JCB અને સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ નદીમાંથી તણાઈ ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
