Amreli News: ખાંભાના નિંગાળામાં બે સગા ભાઈ વચ્ચે ખેલાયો ખુની ખેલ, કામ કરવા માટે કહેતા નાના ભાઈએ મોટાભાઈની હત્યા કરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Aug 2024 12:25 PM (IST)Updated: Mon, 12 Aug 2024 12:25 PM (IST)
amreli-news-younger-brother-stabbed-and-killed-elder-brother-in-village-of-khambha

Amreli News: અમરેલી જલ્લાના ખાંભાના નિંગાળા ગામે બે સગા ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. મોટાભાઈએ બેરોજગાર નાનાભાઈને કામ કરવા જવા માટે ઠપકો આપ્યો હતો. જેથી નાનોભાઈ ઉશ્કરાઈ ગયો હતો અને મોટાભાઈને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર ઇજા પહોંચતા મોટાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ખાંભા તાલુકાના નિંગાળા ગામે ગઇકાલે બે સગા ભાઈ વચ્ચે ઝગડો થયો હતો. હર્ષદ અનુભાઈ બારૈયાએ પોતાનો નાનો ભાઈ કે જે બેરોજગાર હોય અને આમ તેમ ફરતો રહેતો હોય તેને ઠપકો આપ્યો હતો અને કામ-ધંધો કરવા જણાવ્યું હતું. હર્ષદે આપેલો ઠપકો તેના નાના ભાઇને ગમ્યો ન હતો જેથી બન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં હર્ષદને છરીના ઘા વાગ્યા હતા.

બનાવની જાણ થતાં ગ્રામજનો હર્ષદને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ખાંભા પોલીસ પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી નાનાભાઈ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.