Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના પરિવારજનોએ સાસુ, સસરા અને પતિના ત્રાસના કારણે પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરેલીની તેજલ પરમાર (22)ના આજથી ત્રણેક વર્ષ પૂર્વે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામાં રહેતા હિતેશ આસોદરીયા સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક વર્ષનો દીકરો પણ છે. ગઈકાલે બપોરના સમયે તેજલ પરમારે વીજપડી ગામ સ્થિત પોતાના સાસરીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો
આ બાબતની જાણ થતાં વીજપડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં લાશનું પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બીજી તરફ આ બાબતની જાણ થતાં તેજલબેનના પરિવારજનોના ટોળેટોળા સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં તેમણે પોતાની દીકરીના આપઘાત પાછળ પતિ સહિત સાસરિયાઓનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
મૃતક તેજલના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીને તેના પતિ સહિત સાસુ-સસરા ત્રાસ આપતા હતા. તેમણે જ મારી દીકરીને મારી નાંખીને લટકાવી દીધી છે.
જ્યારે મૃતકની સાસુએ જણાવ્યું કે, ગઈકાલે રાતે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. અમે લોકો બહાર ગયા હતા, ત્યારે તેજલે અંતિમ પગલું ભર્યું છે. હાલ તો પોલીસ પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેમાં તેજલના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. જે બાદ ફરિયાદ નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

