Amreli News: સંબંધોને લજવતો કિસ્સોઃ ખાંભાના ગામમાં 3 વર્ષની ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ આચર્યું, કાકીએ ગુનો કરવામાં મદદ કરી, બન્નેની ધરપકડ

ASP જયવીર ગઢવીએ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે, એક ત્રણ વર્ષની બાળકી પર તેના કાકા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ખાભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 14 Nov 2024 05:04 PM (IST)Updated: Thu, 14 Nov 2024 05:04 PM (IST)
amreli-news-uncle-rapes-3-year-old-girl-in-village-of-khambha
HIGHLIGHTS
  • પિતા હીરા ઘસવા ગયા ત્યારે કાકાએ દુષ્કર્મ આચર્યુ
  • આરોપી કાકા અને કાકી બાળકીને પોતાના ઘરે લઇ ગયા હતા

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 3 વર્ષીય ભત્રીજીની એકલતાનો લાભ લઇ તેના કાકા દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંદા કામમાં કાકી દ્વારા મદદ કરવામાં આવી હતી. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં પીડિતાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ખાંભાના એક ગામમાં આરોપી કાકાએ પોતાની 3 વર્ષીય ભત્રીજીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી અને રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની પત્નીએ આ ગુનો આચરવામાં તેની મદદ કરી હતી. બનાવની જાણ થતાં પીડિતાના પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે ખાંભા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ASP જયવીર ગઢવીએ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે, 13 નવેમ્બર 2024ના રોજ ખાભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં એક ત્રણ વર્ષની બાળકી પર તેના કાકા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને કાકી દ્વારા આરોપી કાકાને મદદ કરવામાં આવી હતી. બનાવ અંગે વિગતવાર પૂછવામાં આવતા ફરિયાદી પિતાએ કહ્યુ હતું કે, 6 જુલાઈ 2024ના રોજ તેઓ હીરા ઘસવા માટે બહાર ગયા હતા.

એ સમયે ઘરમાં કોઇ હાજર ન હતું. એ સમયે કાકા અને કાકી બાળકીને પોતાના ઘરે લઇ ગયા હતા અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તેની સાથે કાકા દ્વારા શારીરિક અડપલા અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં જ ખાભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો હતો.

બન્ને આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ એંગલના આધાર ટેક્નિકલ અને સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં જે કંઇપણ સામે આવશે તેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની વિવિધ કલમનો ઉમેરો કરીને ગુનો નોંધી કાર્યવાહી કરાઈ રહી છે.