Amreli: જાફરાબાદમાં કુદરતી હાજતે ગયેલા યુવક પર સિંહનો હુમલો, વન વિભાગની ટીમ દોડતી થઈ

અચાનક સિંહે હુમલો કરતાં યુવકને કપાળ અને હાથના ભાગે ઈજા, સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Oct 2024 10:02 PM (IST)Updated: Wed, 02 Oct 2024 10:03 PM (IST)
amreli-news-lion-attack-on-man-in-jafarabad-forest-department-on-the-spot

Amreli: સૌરાષ્ટ્રના ગીર પંથકમાં સિંહો માનવ વસાહતમાં આવી જવાના બનાવો સામે આવતા રહે છે. ઘણી વખત સિંહો માનવ વસાહતમાં ઘુસીને માલધારીઓના પશુઓનું મારણ કરતા હોય અને ગામના લોકોની સામે જ મિજબાની માણતા હોય તેવા વીડિયો સામે આવી ચૂક્યા છે. સિંહ દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના બનાવો પણ કેટલીક વખત સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમરેલીના જાફરાબાદમાંથી સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જીગર બારૈયા નામનો યુવક કુદરતી હાજતે જવા માટે જાભરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં બાવળની કાંટ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક સિંહે જીગર પર હુમલો કર્યો હતો.

સિંહના હુમલામાં યુવકને કપાળ અને હાથના ભાગે ઈજા પહોંચી છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સૌ પ્રથમ જાફરાબાદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સઘન સારવાર અર્થે રાજુલા ખસેડવામાં આવ્યો છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો હુમલો કર્યા બાદ સિંહ ક્યા છે? તેનું લોકેશન મેળવવા માટે સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે.