અમરેલીની ચલાલા નગરપાલિકામાં 'બળવો': ભાજપના જ 20 સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી

બળવાખોર 20 સભ્યોએ ચીફ ઓફિસરને સ્પષ્ટ ચીમકી આપી છે કે, પંદરમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે, તો નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે આગળ વધશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Oct 2025 12:21 PM (IST)Updated: Thu, 30 Oct 2025 12:21 PM (IST)
amreli-news-chalala-municipality-20-bjp-members-move-no-confidence-motion-against-president-vp

Amreli News: અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં મોટો ભડકો થયો છે. પાલિકાના કુલ 24 સભ્યો ભાજપના હોવા છતાં, તેમાંથી બહુમતી 20 સભ્યોએ ભાજપના જ પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં રાજકારણ ગરમાયું છે. આ ઘટનાને પગલે ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ભૂકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો

બળવાખોર 20 સભ્યોએ ચીફ ઓફિસરને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો દિવસ પંદરમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે, તો તેઓ સક્ષમ અધિકારી સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે આગળ વધશે. ભાજપના ગઢ ગણાતા ચલાલામાં ભાજપના જ સભ્યો દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખને સત્તા પરથી હટાવવા માટેની આ પહેલથી સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ સંગઠન આ આંતરિક વિખવાદને કેવી રીતે થાળે પાડે છે અને આ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થાય છે કે નહીં.

naidunia_image

કાઉન્સિલરોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ

નોંધનીય છેકે, 28 ઓક્ટોબર, 2025ના રોજ ચાલાલા નગરપાલિકાના પ્રમુખને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવિણભાઈ બાવચંદભાઈ માળવિયા દ્વારા કાઉન્સિલરોની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે વહીવટમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જે નગરજનોમાં ચિંતાનો વિષય બન્યો છે.

સામાન્ય સભા બોલાવવા માટે અલ્ટીમેટમ આપ્યું

આ પત્રમાં કાઉન્સિલરોએ પ્રમુખને નિયમો અનુસાર 15 દિવસની અંદર ચાલાલા નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે, તો સક્ષમ અધિકારી પાસે આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પત્ર પર કુલ 20 કાઉન્સિલરોએ હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત આ કાઉન્સિલરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ચિફ ઓફિસરને પણ એક નોટીસ આપવામાં આવી છે.