Amreli: અમરેલીમાં ભાજપના આંતરિક ડખ્ખામાં રૂ. 8 હજારના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીનું રીઢા ગુનેગારની માફક પોલીસે સરઘસ કાઢતા લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ મામલો વધુ ઉગ્ર બને તે પહેલા જ સરકારે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. જેના પગલે આજે ભાજપના ધારાસભ્યો અને આગેવાનો ઉપરાંત ખોડલધામ સહિતની સંસ્થાઓના હોદ્દેદારો અમરેલી દોડી આવ્યા હતા.
આ તમામ આગેવાનોએ આજે અમરેલીમાં બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગંદા રાજકારણ અને પોલીસ અત્યાચારનો ભોગ બનેલી યુવતીને તાત્કાલિક જામીન મળે અને તેની સામેની ફરિયાદ રદ્દ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જો કે એકપણ આગેવાને સમાજની નિર્દોષ દીકરીનું ફરિયાદમાં ખોટી રીતે નામ લખાવનાર અને તેણીનું જાહેરમાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી નહતી કરી.
આ બેઠક બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે, હાલ તો ભોગ બનનાર યુવતીને વહેલી તકે જામીન મળે તેવા ખોડલધામના પ્રયાસ છે. જે બાદ ફરિયાદમાંથી તેનું નામ દૂર કરવા સંદર્ભે પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત યુવતીને અન્ય જે મદદની જરૂર હશે, તે પૂરી પાડવા ખોડલધામ તૈયાર છે.
આજની બેઠકમા ખોડલધામના પ્રતિનિધિઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો મહેશ કશવાલા, આ પ્રકરણમાં અત્યાર સુધી મીડિયાથી મોં છૂપાવીને ભાગતા ફરતા ધારાસભ્ય કૌશિક વેકરીયા, પોલીસને બચાવવા સતત પ્રયાસો કરતા સાંસદ ભરત સુતરીયા વગેરે હાજર રહયા હતા.
પીડિત પાટીદાર યુવતીના પિતાનો ઘટસ્ફોટ- 'દીકરીને છોડાવવા કૌશિકભાઈની ફેવરમાં વીડિયો બનાવવા કહેવાયું'
બીજી તરફ ભોગ બનનાર યુવતીના પિતાનો સ્ફોટક વીડિયો વાયરલ થયો છે. અમરેલી પત્રિકાકાંડમાં આજે પાટીદાર દીકરીના પિતાનો એક વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેમાં દીકરીના પિતા જણાવે છે કે, મારી દીકરીના જામીન ન થતા હું અમરેલી જેલ પર હતો. જ્યાં મને અજાણી વ્યકિતનો ફોન હતો કે, તમે ચિતલ રોડ પર આવો. જેથી હું ત્યાં પહોંચતા ત્યાં ચાર-પાંચ વ્યકિત બેઠા હતા. જેમના દ્વારા મને કેવામાં આવ્યું કે, અમે કહીએ તેમ કહો એટલે જામીન મળી જાશે. એક ચેતનભાઇ કરીને લાલાવદરના ભાઇ હતા તેમણે એમ કહ્યું કે, તમે કૌશિકભાઇના ફેવરમાં વીડિયો બનાવો એટલે તમારી દીકરી કાલે છૂટી જશે.
