Amreli News: સુરતમાં મોડેલિંગનો વ્યવસાય કરતી બગસરા પંથકની એક યુવતી અમદાવાદ એરપોર્ટ પર 19 કિલો ગાંજા સાથે ઝડપાયા બાદ બે મહિના જેલમાં રહીને છૂટી છે. જેલમુક્ત થયા પછી, આ યુવતીએ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાના પુત્ર આનંદ પર તેને ડ્રગ્સ રેકેટમાં ફસાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત, યુવતીએ સોગંદનામું કરીને પ્રદીપ ભાખર પર દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ લગાવ્યો છે.
જેલમાંથી મુક્ત થયા બાદ સુરતની મોડેલે એક સોગંદનામું કર્યું છે, જેમાં તેણે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર પર ગંભીર આરોપો મૂક્યા છે. યુવતીના જણાવ્યા મુજબ, છ મહિના પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત મારફતે તેની પ્રદીપ ભાખર સાથે ઓળખાણ થઈ હતી, જે તેના પતિના મિત્ર પણ હતા. યુવતી મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી, 9 ફેબ્રુઆરી, 2025ના રોજ તે તાલાલાના એક રિસોર્ટમાં મોડેલિંગ માટે ગઈ હતી. ત્યાં, પ્રદીપ ભાખર તેના રૂમમાં આવ્યા અને તેને ઠંડુ પીણું પીવડાવી બેભાન કરી દીધી. યુવતીએ આરોપ લગાવ્યો છે કે બેભાન અવસ્થામાં પ્રદીપ ભાખરે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના અશ્લીલ ફોટા પાડી લીધા. ત્યારબાદ, જો તે તેની વાત નહીં માને તો આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.
યુવતીએ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તે તાલાલા તાલુકાના મોરવાઈ ગામમાં આવેલા "ધ ગીર પેલેસ રિસોર્ટ" ખાતે એક જાહેરાતનો વીડિયો બનાવવા ગઈ હતી. તે સમયે, પ્રદીપ ભાખર તેને મળવા આવ્યો હતો. યુવતીના કહેવા મુજબ, રાત્રે દસેક વાગ્યાની આસપાસ પ્રદીપ ભાખર તેના રૂમમાં આવ્યો અને મોડેલિંગના કામ અપાવવાની લાલચ આપીને તેને ઠંડા પીણાની બોટલ આપી. આ પીણું પીધા પછી તે બેભાન થઈ ગઈ. ભાનમાં આવતા જ તેણે પોતાને નગ્ન અવસ્થામાં જોઈ અને પ્રદીપ ભાખર બાથરૂમમાંથી બહાર આવ્યો. તેણે યુવતીને ધમકી આપતા કહ્યું કે, મેં તારા નગ્ન ફોટા પાડી લીધા છે. જો તું મારી વાત નહીં માને તો આ ફોટા તારા પતિ અને પરિવારને આપી દઈશ અને વાયરલ કરી દઈશ. આ ગંભીર આક્ષેપો સાથે યુવતીએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.
મોડેલ યુવતી દ્વારા પ્રદીપ ભાખર પર કરાયેલા ગંભીર આક્ષેપો બાદ, આજે તેના પતિએ એક વીડિયો વાયરલ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. પતિના કહેવા મુજબ, પ્રદીપ ભાખર તેના બાળપણના મિત્ર છે અને તેની પત્ની જેલમાંથી બહાર આવ્યા પછી, તે અને તેની માતા ષડયંત્ર રચી રહ્યા છે. પતિએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રદીપભાઈનો કોઈ વાંક નથી. તેણે ઉમેર્યું કે તેની પત્ની અને તેના પરિવારે અગાઉ પણ હીરા સંબંધિત છેતરપિંડી આચરી હતી, અને આ લોકો આવું જ કરે છે. જોકે, પીડિત યુવતી પણ પોતાના આક્ષેપો પર અડગ છે. તેણે આજે એક બીજો વીડિયો વાયરલ કરીને જણાવ્યું કે તે આવતા સપ્તાહે પોલીસ ફરિયાદ દાખલ કરશે. યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો કે તેના પતિને દબાવી, ધમકાવીને વીડિયો બનાવડાવવામાં આવ્યો છે અને તેને દુબઈ મોકલી દેવાયો છે. તેણે ચેતવણી પણ આપી કે જો તેના પતિ આ ષડયંત્રમાં સામેલ હશે તો તે તેની સામે પણ ફરિયાદ નોંધાવશે.
