Amreli: સુડાવડના આંગણે 78 વર્ષે 'સોનાનો સૂરજ' ઉગ્યોઃ આઝાદી પછી પહેલીવાર 15 પરિવારોના ઘરે વીજળી પહોંચી

દસ્તાવેજોની ટેક્નિકલ ગુંચ અને વહીવટી અવરોધોને પગલે દેવીપૂજક અને માલધારી સમાજના પરિવારનો અંધકારમાં જીવવા માટે મજબૂર હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Feb 2026 07:09 PM (IST)Updated: Fri, 06 Feb 2026 07:09 PM (IST)
amreli-news-after-78-years-of-independence-electricity-finally-reaches-15-families-in-sudavad-village-under-under-jyotigram-scheme
HIGHLIGHTS
  • મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસને પગલે 'જ્યોતિગ્રામ યોજના' અંતર્ગત છેવાડાના વિસ્તારમાં ઉજાસ પથરાયો

Amreli: 'મોડા પણ સવાર પડી' - આ ઉક્તિ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામના 15 પરિવારો માટે સાચી સાબિત થઈ છે.

ભારતની આઝાદીના સાત દાયકા અને અનેક પેઢીઓની પ્રતિક્ષા બાદ આખરે આ ગામની એક વસાહતમાં પ્રથમ વખત વીજળીના દર્શન થયા છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાની અંગત રસ અને ત્વરિત સૂચનાના પગલે 'જ્યોતિગ્રામ યોજના' દ્વારા આ છેવાડાના વિસ્તારોમાં ઉજાસ પથરાયો છે.

સુડાવડ મુખ્ય ગામથી માત્ર એક કિલોમીટર દૂર રહેતા દેવીપૂજક અને માલધારી સમાજના પરિવારો છેલ્લા 40 વર્ષથી વીજળી માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દસ્તાવેજોની ટેકનિકલ ગૂંચ અને વહીવટી અવરોધોને કારણે આ પરિવારો અંધકારમાં જીવવા મજબૂર હતા.

જો કે સ્થાનિક સરપંચના સતત ફોલોઅપ અને મંત્રી કૌશિક વેકરીયાના હસ્તક્ષેપ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગણતરીના દિવસોમાં જ વીજ થાંભલા ઊભા કરી જોડાણ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી દીવાના આછા પ્રકાશમાં ભણવા મજબૂર બાળકો હવે વીજળીના અજવાળે રાત્રે પણ અભ્યાસ કરી શકશે. ઘરમાં લાઈટ, પંખા અને ટીવી આવતા પરિવારોમાં ખુશીનો માહોલ છે. દૂધ અને ખાદ્યસામગ્રી સાચવવા માટે હવે તેઓ ફ્રીજની સુવિધાનો ઉપયોગ કરી શકશે.

વન્ય પ્રાણીઓથી સુરક્ષા:
આ વિસ્તાર સીમમાં હોવાથી રાત્રે વન્ય પ્રાણીઓનો ભય રહેતો હતો, જે હવે સ્ટ્રીટ લાઈટ અને ઘરના અજવાળાને કારણે ઓછો થશે.

આઝાદીના 78 વર્ષ બાદ મળેલી આ સુવિધા માત્ર લાઈટના કનેક્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આ છેવાડાના પરિવારો માટે સન્માનજનક અને આધુનિક જીવનની શરૂઆત છે. વસાહતના લોકોએ સરકાર અને મંત્રીશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, "અમારા માટે આજે સાચી દિવાળી જેવો માહોલ છે."