Amreli News: સામાન્ય રીતે દિવાળી પર્વની ઉજવણી ફટાકડા ફોડીને થતી હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા આઠ દાયકાથી વધુ સમયથી એક અનોખી પરંપરા જીવંત છે. અહીં દિવાળીની રાત્રે 'ઈંગોરિયા યુદ્ધ' રમીને પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે સ્થાનિક લોકો માટે વર્ષો જૂનો ઉત્સાહ છે.
ગત રાત્રિએ પણ સાવરકુંડલાના વિવિધ વિસ્તારોમાં આ પરંપરાગત ઈંગોરિયા યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો સામસામે ગોઠવાઈને સળગતા ઈંગોરિયા એકબીજા પર ફેંકીને નિર્દોષભાવે યુદ્ધનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા પણ આ અનોખી રમતમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જેણે ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડવામાં આવ્યા હતા.
સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે આ યુદ્ધ ખેલાતુ
આ સાત દાયકા જૂની પરંપરાનો ઇતિહાસ રસપ્રદ છે. ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાથી યુદ્ધ ખેલાતું હતું, જે સમય જતાં સાવરકુંડલાની ઓળખ બની ગયું છે. હાલમાં આ ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ જેવા મુખ્ય વિસ્તારોમાં દિવાળીની રાત્રે જોવા મળે છે, જ્યાં યુવકો જુદા જુદા જૂથોમાં વહેંચાઈને આ અગન યુદ્ધનો રોમાંચ માણે છે.
ઘણાને પ્રશ્ન થશે કે આ 'ઈંગોરિયા' શું છે?
ઈંગોરિયા એ આશરે આઠથી દસ ફૂટ ઊંચા વૃક્ષ પર થતું ચીકુ જેવું ફળ છે. દિવાળીના એકાદ મહિના પહેલાં યુવાનો ડુંગરાળ વિસ્તારોમાંથી આ ફળો શોધીને તોડી લાવે છે. તેને સૂકવવામાં આવે છે અને છરી વડે છાલ કાઢી તેમાં કાણું પાડવામાં આવે છે. આ કાણામાં દારૂગોળો, ગંધક, સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ભરીને માટીથી સીલ કરવામાં આવે છે. ફરી તેને સૂકવ્યા બાદ 'ઈંગોરિયું' યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી થોડો બદલાવ આવ્યો
જોકે, છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિમાં થોડો બદલાવ આવ્યો છે. વાવાઝોડાને કારણે ડુંગરાળ વિસ્તારોમાં ઈંગોરિયાના વૃક્ષો મોટા પાયે ધરાશાયી થતાં ઈંગોરિયાની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. આથી, ઈંગોરિયા રસિયાઓએ હવે 'કોકડા'નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. દોરાની કોકડીમાં કોલસો, ગંધક અને અન્ય સામગ્રી ભરીને ઈંગોરિયાની જેમ જ કોકડા તૈયાર કરવામાં આવે છે, જે આ પરંપરાને જીવંત રાખવામાં મદદ કરે છે.
સાવરકુંડલાનું આ અનોખું ઈંગોરિયા યુદ્ધ દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરોમાંથી પણ લોકો આ અનોખી રમત નિહાળવા ખાસ આવે છે. સ્થાનિક લોકોના મતે, આ એક નિર્દોષ રમત છે અને તેમાં કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ પરંપરા સાવરકુંડલાની દિવાળીની ઉજવણીને એક આગવી ઓળખ અને રોમાંચ આપે છે.
