Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખુંખાર દીપડાના આતંકના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. એવામાં શનિવારે સાંજના સમયે આવી જ એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે શેત્રુજી નદીના કાંઠે આવેલ સીમ વિસ્તારમાં દીપડાએ પાંચ વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોટા ભમોદ્રા ગામની સીમ વિસ્તારમાં મનોજભાઈ બડમતીયાની વાડી આવેલી છે. આ વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન નરભક્ષી બનેલા દીપડાએ મજૂરની પાંચ વર્ષની બાળકી ચુટકી શેરુભાઈ પારડીયા પર હુમલો કરી દીધો હતો. દીપડાના આ હુમલામાં બાળકીનું મોત નિપજ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
દીપડાના હુમલાની ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક બાળકીના મૃતદેહને પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે વંડા હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટના ન બને તે માટે વનવિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નરભક્ષી દીપડાને સ્કેનિંગ કરીને પકડી પાડવા માટે વનવિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.
શેત્રુજી નદી કાંઠે દીપડાના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને વનવિભાગ દ્વારા તાત્કાલિક આ દીપડાને પકડી પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
બગસરાના ખારી ગામમાં ખેતરમાં સૂતેલા મજૂર પર દીપડો ત્રાટક્યો
થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામમાં પણ દીપડાના હુમલાનો આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં ખારી ગામના વિઠ્ઠલભાઈ રાખોલીયાના ખેતરમાં મજૂરીનું કામ કરતાં કલ્પેશ પારઘી ખેતરમાં ખાટલો ઢાળી સૂતા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા દીપડાએ કલ્પેશને તરાપ મારી હતી. જેમાં હાથના ભાગે ઈજા થતાં કલ્પેશ પારઘીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ હતી અને દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.
