Amreli: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વાડી વિસ્તારમાં ખેતરમાં મજૂરી કરી રહેલા પરિવાર સાથે ગયેલા 5 વર્ષના બાળક પર ખુંખાર દીપડાએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાહિલ રાકેશ કટારા (5) આજે વહેલી સવારે 9 કલાકે પોતાના માતા-પિતા સાથે વાડીએ ગયો હતો. જ્યાં તેના માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા, જ્યારે સાહિલ ખેતરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તુવેરના ઊંચા મોલમાં લપાઈને બેઠેલા દીપડાએ અચાનક નીચે રમી રહેલા સાહિલ પર તરાપ મારી હતી. દીપડાના હુમલામાં સાહિલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
આ પણ વાંચો
બીજી તરફ સાહિલની બૂમો સાંભાળીને અન્ય ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી. જ્યારે મૃતદેહને તાતાકલિક ગોપાલગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ બનાવની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.
હાલ તો આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી દીપડાને પકડવા માટે તાત્કાલિક અસરથી પાંજરા ગોઠવવામાં આવ્યા છે.ગ્રામજનોને સીમ વિસ્તારમાં એકલા ન જવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલા વધતા ખેત શ્રમિકો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
