Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે બે યુવકોના સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક તુફાન ગાડીમાં આગ લાગેલી હાલતમાં અંદરથી એક સગીર સહિત બે પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ગાડીમાં બે યુવકોના સળગેલા મૃતદેહ મળ્યા
આ પણ વાંચો
પ્રાથમિક વિગતો અનુસાર, બંને યુવકો તુફાન ગાડીમાં જ સૂઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીને આગ ચાંપી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ગાડીમાં સૂતેલા બંને યુવકો બહાર નીકળી શક્યા ન હતા અને આગની ઝપેટમાં આવી જતાં જીવતા ભૂંજાઈ ગયા હોવાની આશંકા છે.
પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત મામલતદાર અને FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં બંને યુવકોના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
તુફાન ગાડીને આગ અકસ્માતે લાગી હતી કે પછી કોઈ અજાણ્યા શખ્સે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આગ લગાવી બંનેની હત્યા કરી છે, તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
