Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંડળીયા ગામે એક કરુણ અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અભ્યાસ બાબતે પરિવારજનો દ્વારા ઠપકો આપવામાં આવતા ધોરણ 11માં અભ્યાસ કરતાં 17 વર્ષના સગીર વિદ્યાર્થીએ આવેશમાં આવીને વીજપોલ પર ચડી ગયો. જેથી જોરદારનો વીજકરંટ લાગતાં તેણે પોતાની જિંદગી ગુમાવી દિધી હતી. સગીરના અકાળે મોતથી સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભણવાનું કહેતાં માઠું લાગ્યું
આ પણ વાંચો
મળતી માહિતી પ્રમાણે, વાંડળીયા ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ કરકરના 17 વર્ષીય પુત્ર વિરાગની ધોરણ 11ની પરીક્ષાઓ ચાલી રહી હતી. વિરાગને ગામમાં આખ્યાન જોવા જવું તુ, પરંતુ પરીક્ષા નજીક હોવાથી પરિવારજનોએ તેને આખ્યાનમાં જવાને બદલે ઘરે રહીને અભ્યાસ કરવા માટે કહ્યું હતું. ભણવા માટે આપેલો આ ઠપકો વિરાગને સહેજ પણ પસંદ આવ્યો નહોતો અને તે ગુસ્સામાં ઘર બહાર નીકળી ગયો હતો.
30 ફૂટ ઊંચા વીજપોલ પર ચડ્યો
અભ્યાસ કરવા બાબતે માઠું લાગી આવતા વિરાગ ગામમાં આવેલા PGVCLના આશરે 30 ફૂટ ઊંચા વીજપોલ પર ચડી ગયો હતો. વીજપોલ પર ચડતી વખતે અચાનક વીજપ્રવાહનો જોરદાર આંચકો (હાઈ ટેન્શન શોર્ટ) લાગવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગે મૃતકના પિતા મહેશભાઈ કરકરે બાબરા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બનાવ અંગે જાહેર નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર વાંચવા બાબતે થયેલી બોલાચાલીમાં સગીર પુત્ર ગુમાવતા પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.
