અમરેલી: ખેતરમાં જાળીમાં ફસાયેલું 1 મહિનાનું સિંહબાળ મૃત હાલતમાં મળ્યું, વન વિભાગે હાથ ધરી તપાસ

અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે ખેતરમાં જાળીમાં ફસાવાથી 1 મહિનાના સિંહબાળનું શ્વાસ રુંધાતા કરૂણ મોત નિપજ્યું છે. વન વિભાગે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 08 Sep 2026 12:26 PM (IST)Updated: Tue, 08 Sep 2026 12:26 PM (IST)
amreli-jafarabad-farm-lion-cub-found-dead-forest-department-investigation

Amreli News: અમરેલી જિલ્લામાં અને ગીર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહો અને સિંહબાળના મોતના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરામાં એક સિંહબાળનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ખેતરમાં સિંહબાળનું શ્વાસ રુંધાવાથી મોત

મળતી માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં ગોવિંદ સોલંકીના ખેતરમાં એક મહિનાનું સિંહ બાળ જાળીમાં ફસાઇ ગયું હતું. સિંહ બાળે જાળમાંથી નીકળવાના ઘણા પ્રયાસો બાદ તેના ગળા પર દબાણ આવ્યું હતું. જેથી તેનો શ્વાસ રુંધાઇ જતાં સિંહ બાળનું મોત થયું હતું.

વન વિભાગે મૃતદેહ કબ્જે કર્યો

સિંહ બાળના મોતની જાણ થતાંની સાથે જ વન વિભાગની ટીમ દોડી આવી હતી, આ ઘટના એક દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમે સિંહ બાળના મૃતદેહને કબ્જે કરીને તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. ત્યાર બાદ આગળની કાર્યવાહી શરુ કરી હતી.

અગાઉ પણ એક સિંહ બાળનું મોત

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાંથી અગાઉ એક સિંહબાળનું મોત થયું હતું. સરસિયા રેન્જ હેઠળ આવતી છતડિયા બીટના રોજમાળ વિસ્તારમાંથી 8થી 10 માસના એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થઇ ગયું હતું.