Amreli: ગે ડેટિંગ એપના ચક્કરમાં ફસાયો યુવક, છરીની અણીએ અશ્લીલ વીડિયો ઉતારી લૂંટ કરી, 6 ની ધરપકડ

અમરેલીના બાબરા તાલુકાના એક યુવાનને ગ્રાઈન્ડર નામની ગે ડેટિંગ એપના માધ્યમથી ફસાવીને છરીની અણીએ વિડીયો ઉતારીને રુપિયા લૂંટની ઘટના બની છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 30 May 2026 12:49 PM (IST)Updated: Sat, 30 May 2026 12:49 PM (IST)
amreli-gay-dating-app-grindr-honeytrap-robbery-6-arrested

Amreli News: આજની ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયાનો વ્ચાપ વધ્યો છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી નવા નવા મિત્રો બનાવે છે. સોશિયલ મીડિયા એકંદરે જીવનનો ભાગ બની ગયું છે. પરંતુ ઘણીવાર સોશિયલ મીડ઼િયા પર ગુનેગારો લોકો સાથે છેતરપિંડી કે ખરાબ રીતે ફસાવતા હોવાનું પણ સામે આવે છે.

અમરેલી જિલ્લામાં પણ આવો જ બનાવ સામે આવ્યો. અમરેલીના બાબરા તાલુકાના એક યુવાનને સોશિયલ મીડિયા અને ગ્રાઈન્ડર નામની ગે ડેટિંગ એપના માધ્યમથી ફસાવીને છરીની અણીએ વિડીયો ઉતારીને રુપિયા હડપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

યુવકને ગે ડેટિંગ એપમાંથી મેસેજ આવ્યો

મળતી વિગતો મુજબ, બાબરા તાલુકાના વાંડળિયા ગામના અજય ગાંગડિયા નામનો યુવક 24 મે ના રોજ રાત્રે ફતેપુરથી ટ્રક લઈને બાબરા જઈ રહ્યો હતો. જ્યાં તે લાઠી બાયપાસ નજીક ચા પીવા રોકાયો હતો. અજાણતા તેના મોબાઈલમાં 'ગ્રાઈન્ડર' નામની ડેટિંગ એપ ખુલી ગઈ હતી. જેમાં એક બનાવટી એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો. જ્યાં યુવકે મેસેજને વાંચીને મળવાની હા પાડી હતી. યુવક ચેટિંગ કરી લીધા બાદ ટ્રક લઈને બાબરા તરફ જઈ રહ્યો હતો.

આરોપીઓએ યુવકનો વીડિયો ઉતાર્યો

લાઠી ચોકડી બાયપાસ નજીક એક્ટિવા પર સવાર થઈને બે શખ્સો અરમાન ભીમાણી અને હરકિશન ખસિયાએ ટ્રકને રોકી હતી. ફરિયાદીને ટ્રકમાંથી ઉતારીને ડરાવી ધમકાવીને એક અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ચાર આરોપીઓ અગાઉ જ હાજર હતા. આરોપીઓએ ફરિયાદી યુવકને ઢોર માર મારીને છરીની અણીએ કપડા ઉતરાવી નાખ્યા હતા. જે બાદ યુવકનો અશ્લિલ વીડિયો ઉતારી લીધો હતો. અન્ય આરોપીઓ રોનક નાગોરી, પરવેઝ નાગોરી, તોફિક બોમર અને અરમાન સમા પણ પહોંચી ગયા હતા.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી રોકડની લૂંટ કરી હતી. ત્યારબાદ વધુ નાણાંની માંગણી કરી હતી. યુવકે પોતાના મિત્ર અને શેઠ પાસેથી રુ.5000 ગૂગલ પે પર ટ્રાન્સફર કરાવીને આરોપીઓને આપી દિધા હતા. આરોપીઓએ યુવકને ધમકી આપી કે, જો તે કાલ સુધીમાં 45 હજાર નહી આપે તો વીડિયો વાયરલ કરી નાખીશું.

યુવકની ફરિયાદ પર 6 ની ધરપકડ

ડરી ગયેલા યુવકે હિંમત એકઠી કરીને 26 મેના રોજ સઘળી હકીકત શેઠને જણાવી હતી. ત્યારબાદ યુવકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં પોલીસે છ આરોપીઓની ગેંગને ઝડપી લીધી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ પૈકી મુખ્ય આરોપી હરકિશન ખસિયા રીઢો ગુનેગાર છે. જેની સામે સુરતમાં અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે.