Amreli Accident: અમરેલીના બગસરા નજીક બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના કરુણ મોત

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Dec 2025 09:28 AM (IST)Updated: Wed, 17 Dec 2025 09:28 AM (IST)
amreli-accident-news-car-overturns-in-bagasara-3-dead

Amreli Car Accident: અમરેલી જિલ્લાના બગસરા નજીક આજે, બુધવાર (17 ડિસેમ્બર) વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે પૂરપાટ ઝડપે દોડતી એક ફોર વ્હીલ કાર રોડ પરથી નીચે ઉતરી જઈને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે ફોર વ્હીલ કાર અચાનક ડ્રાઈવરના નિયંત્રણ બહાર જતાં રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે રસ્તા કિનારે આવેલા ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારના આગળના ભાગનો અને બોડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોએ ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી અને કારમાં સવાર લોકો અંદર ફસાયા હોવાથી, તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો, કારની સ્પીડ કેટલી હતી અને ડ્રાઈવરે નિયંત્રણ કેમ ગુમાવ્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે મૃતકના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.