વર્લ્ડ સ્માઈલ ડે: હિમાલયાની 'મુસ્કાન' પહેલ દ્વારા ફાટેલા હોઠ અને તાળવાથી પીડાતા બાળકો માટે ફ્રીમાં સારવાર ઉપલબ્ધ

એક ખાસ મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી છે, જે ગુજરાતના 22જિલ્લાઓના ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં ગામડે-ગામડે ફરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 02 Oct 2026 08:57 PM (IST)Updated: Fri, 02 Oct 2026 08:57 PM (IST)
world-smile-day-free-treatment-for-children-suffering-from-cleft-lip-and-palate-through-himalayas-muskaan-initiative

World Smile Day:વર્લ્ડ સ્માઈલ ડેના અવસરે હિમાલયા વેલનેસ કંપનીએ વિશ્વની સૌથી મોટી ક્લેફ્ટ-કેન્દ્રિત ONG 'સ્માઈલ ટ્રેન ઈન્ડિયા' સાથે મળીને અમદાવાદમાં પોતાની સામાજિક પહેલ 'મુસ્કાન'ની જાહેરાત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફાટેલા હોઠ અને તાળવાની સ્થિતિ (ક્લેફ્ટ) વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ બાળકોને સમયસર મફકમાં ઓપરેશન તથા સર્વગ્રાહી સંભાળ પૂરી પાડવાનો છે.


અમદાવાદના પતંગ સાથેના ઊંડા જોડાણથી પ્રેરિત થઈને મુસ્કાન પહેલે તેના 12માં વર્ષની ઉજવણી 'પતંગ થીમ' અને 'એક નયી મુસ્કાન'ના વિચાર સાથે કરી છે. જે રીતે પતંગને આકાશમાં ઊંચે ઉડવા માટે યોગ્ય દોરા અને ટેકાની જરૂર હોય છે, તે જ રીતે સમયસરની સારવાર અને યોગ્ય સહયોગ દ્વારા ક્લેફ્ટથી પીડાતા બાળકો પણ પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે.

અભિનેત્રી મંદિરા બેદીએ જણાવ્યું હતું કે આપણી જાત પરનો ભરોસો જ આપણો આત્મવિશ્વાસ છે. ક્લેફ્ટ સાથે જન્મેલા બાળકોને યોગ્ય સંભાળ મળે તો તેઓ ફરી શાળાએ જઈ શકે છે, મિત્રો બનાવી શકે છે અને પોતાના સપના પૂરા કરી શકે છે. 'મુસ્કાન' બાળકોને એ દર્શાવે છે કે તેમની આ સ્થિતિ તેમની ઓળખ કે મર્યાદા બની શકતી નથી.


બિઝનેસ ડિરેક્ટર, હિમાલયા વેલનેસના બિઝનેસના રાજેન્દ્ર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે વર્ષ 2015થી 'મુસ્કાન' અમારી સામાજિક જવાબદારીનો મહત્વનો ભાગ છે. સ્માઈલ ટ્રેન સાથેના 12 વર્ષના સહયોગમાં આ પહેલને અમદાવાદ લાવવાથી અમે વધુ પરિવારો સુધી પહોંચી શકીશું.

હિમાલયાના બ્યુટી એન્ડ પર્સનલ કેર માર્કેટિંગ ડિરેક્ટર રાગિની હરિહરને જણાવ્યું હતું કે પતંગની થીમ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની ભાવના દર્શાવે છે. અમે ક્લેફ્ટ કેર અંગેની ચર્ચાને સરળ બનાવી વધુને વધુ પરિવારોને સમયસર સારવાર લેવા પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.

સિનિયર VP અને રિજનલ ડિરેક્ટર - એશિયા, સ્માઈલ ટ્રેનના મમતા કેરોલે જણાવ્યું હતું કે દરેક બાળકને સમયસર યોગ્ય સંભાળ મેળવવાનો હક છે. શસ્ત્રક્રિયા સિવાય વાણી અને પોષણ જેવી સહાય પણ બાળકના સંપૂર્ણ વિકાસ માટે એટલી જ જરૂરી છે.

આ શસ્ત્રક્રિયા માત્ર સ્મિત આપવા પૂરતી સીમિત નથી, પરંતુ માત્ર 45 મિનિટની આ સર્જરીથી બાળકના ખોરાક, પોષણ, વાણી અને એકંદર વિકાસમાં ખૂબ મોટો બદલાવ આવે છે.

ગુજરાતના 22 જિલ્લામાં  વિશેષ મોબાઈલ વાન

આ પહેલને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે એક ખાસ મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી છે, જે ગુજરાતના 22જિલ્લાઓના ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં ગામડે-ગામડે ફરશે. આ વાન દ્વારા ક્લેફ્ટ વિશેની ભ્રમણાઓ દૂર કરી જાગૃતિ ફેલાવવામાં આવશે અને પીડિત બાળકોને મફત સર્જરી તથા સારવાર સાથે જોડવામાં આવશે.