World Breast Cancer Research Day: 18 ઓગસ્ટ એટલે કે વિશ્વ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે ના વિશેષ અવસરે ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યમાં મહિલાઓમાં વધતા જતા સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર)ના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્યના નાગરિકોને સંદેશ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન અને વ્યાપક જાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો સ્તન કેન્સર પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ જાય, તો તે સંપૂર્ણપણે સાધ્ય અને ઈલાજ યોગ્ય છે. રાજ્ય સરકાર દરેક નાગરિકને શ્રેષ્ઠ, અત્યાધુનિક અને પરવડે તેવી કેન્સરની સચોટ સારવાર પૂરી પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
ગુજરાતમાં સ્તન કેન્સરની સ્થિતિ અને આંકડાઓ
ગુજરાતમાં આરોગ્ય વિભાગ અને કેન્સર રજિસ્ટ્રીના ડેટા અનુસાર, મહિલાઓમાં જોવા મળતા તમામ પ્રકારના કેન્સરમાં સ્તન કેન્સર 31.2% સાથે સૌથી વધુ પ્રમાણ ધરાવે છે. અમદાવાદના 'પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી' ના અહેવાલ મુજબ, 0 થી 74 વર્ષની વયજૂથની દર 12માંથી 1 મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના આંકડા દર્શાવે છે કે માત્ર વર્ષ 2025 દરમિયાન જ સ્તન કેન્સરના 1,541 નવા કેસો નોંધાયા હતા. આમાં સૌથી વધુ અસરગ્રસ્ત વયજૂથ 41 થી 50 વર્ષ (469 કેસ) અને 51 થી 60 વર્ષ (436 કેસ) ની મહિલાઓનું છે, જે દર્શાવે છે કે ચાલીસ વર્ષથી વધુ વયની મહિલાઓએ વિશેષ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્થિતિ
વૈશ્વિક સ્તરે GLOBOCAN 2022 ના અહેવાલ મુજબ વિશ્વમાં દર વર્ષે કેન્સરના 1.99 કરોડથી વધુ અને ભારતમાં 14.13 લાખ નવા કેસો સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ ગુજરાતમાં 2024 સુધીમાં કેન્સરના દર્દીઓની કુલ સંખ્યા વધીને અંદાજિત 77,205 સુધી પહોંચી હતી.
મહિલાઓ માટે આરોગ્ય મંત્રીશ્રીની સલાહ
આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્યની મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગ્રત રહેવા ખાસ અનુરોધ કર્યો છે. 30 વર્ષથી વધુ વયની મહિલાઓએ દર મહિને નિયમિતપણે પોતાની જાતે 'સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશન' (સ્તન પરીક્ષણ) કરવું જોઈએ. આ ઉપરાંત, 40 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ દર વર્ષે કે નિયમિત અંતરે ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવું અનિવાર્ય છે. શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ, ફેરફાર કે કેન્સરના લક્ષણ જણાય તો ગભરાયા વિના તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા GCRI નો સંપર્ક કરવો જોઈએ.
GCRI ની સુવિધાઓ અને નિઃશુલ્ક સારવાર
વર્ષ 1972 માં સ્થાપિત GCRI, અમદાવાદ આજે PPP મોડલ હેઠળ સમગ્ર દેશ માટે એક મોડેલ સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. વર્ષ 2025 માં નોંધાયેલા 26,812 દર્દીઓમાંથી 9,147 દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા, જે ગુજરાતની આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પર દેશભરનો વિશ્વાસ દર્શાવે છે.
રાજ્ય સરકારે GCRI ખાતે ડિજિટલ મેમોગ્રાફી, સર્જિકલ રોબોટ, સાયબર નાઈફ, કેમોથેરાપીમાં વાળ ખરતા અટકાવવા સ્કેલ્પ કૂલિંગ ડિવાઇસ, નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ, TrueBeam LINAC, Tomotherapy અને 19 મોડ્યુલર OTs જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ તમામ સેવાઓ દર્દીઓને PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
