Western Railway Drinking Water: ભારતીય રેલવેમાં મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે હેતુથી રેલવે તંત્ર દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડના અગ્રણી અધિકારીઓ અને વરિષ્ઠ બાબુઓ દ્વારા હાથ ધરાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ સમગ્ર રેલવે નેટવર્ક પર પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
20,000 સ્થળોએ 'ટેન્ક ટુ ટેપ' સિસ્ટમ કાર્યરત કરાશે
આ નવી યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ 20,000 જેટલા સ્થળો પર ‘Tank to Tap’ વોટર ફિલ્ટરેશન અને મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત
- જરૂરિયાત મુજબ વોટર સ્ટોરેજ ટાંકીઓ બદલવામાં આવશે.
- જળ સ્ત્રોત (સોર્સ) અને આઉટલેટ પોઈન્ટ પરથી નિયમિતપણે પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ થશે.
- પાણીની ગુણવત્તા પર સેન્ટ્રલાઈઝ્ડ (કેન્દ્રીય) મોનિટરિંગ રાખવામાં આવશે.
- સ્ટોરેજ ટાંકીઓની સમયસર સફાઈ અને માવજત માટે ચોક્કસ ટાઈમટેબલ બનાવવામાં આવશે.
અમદાવાદ અને સુરત સ્ટેશન અંગે CAG રિપોર્ટનો સાચો સંદર્ભ
તાજેતરમાં કેગ (CAG) રિપોર્ટમાં અમદાવાદ અને સુરત સ્ટેશનો અંગે કરાયેલી ટિપ્પણીઓ બાદ વાહિયાત અફવાઓ પર વિરામ મુકતા પશ્ચિમ રેલવેએ સ્પષ્ટતા કરી છે. કેગના રિપોર્ટને યોગ્ય સંદર્ભમાં સમજવો અત્યંત જરૂરી છે.
સુવિધાની 'કમી' (Shortfall), 'અભાવ' નહીં
કેગ રિપોર્ટમાં અમદાવાદ કે સુરત સ્ટેશન પર પીવાનું પાણી કે મુસાફર સુવિધાઓ તદ્દન ગાયબ છે તેવું ક્યાંય પણ નથી કહેવાયું. કેગ દ્વારા નક્કી કરાયેલા Minimum Essential Amenities (MEA) એટલે કે 'ન્યૂનતમ આવશ્યક સુવિધાઓ'ના માનકો મુજબ માત્ર ચોક્કસ સંખ્યામાં ઘટાડો દર્શાવાયો છે.
ઉદાહરણ તરીકે
NSG-1 શ્રેણીના સ્ટેશનો પર દરેક પ્લેટફોર્મ પર નિયમ મુજબ 20 નળ હોવા જોઈએ. જો ત્યાં 16 કે 18 નળ ઉપલબ્ધ હોય, તો કેગ તેને 'Shortfall in Provision' (નિયમ કરતા ઓછી સુવિધા) તરીકે નોંધે છે. એનો અર્થ એવો બિલકુલ નથી કે સ્ટેશન પર પીવાનું પાણી ઉપલબ્ધ નથી.
અમદાવાદ અને સુરત સ્ટેશનની સ્થિતિ
અમદાવાદ સ્ટેશન પર વોટર કૂલર, પીવાના પાણીના નળ અને બેસવાની બેંચની નિયમ મુજબની સંખ્યામાં તફાવત નોંધાયો હતો, જ્યારે સુરત સ્ટેશન પર પંખા અને નળની સંખ્યામાં તફાવત હતો. આ બંને સ્ટેશનો વધુ આવક અને વધુ મુસાફરો ધરાવતા ૧૦ શ્રેષ્ઠ સ્ટેશનોની યાદીમાં હોવાથી કેગ દ્વારા આ અહેવાલ તૈયાર કરાયો હતો.
પશ્ચિમ રેલવેનું રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન
કેગ દ્વારા કરવામાં આવેલા દેશવ્યાપી 16 રેલવે ઝોનના સરખામણીત્મક આંકડાકીય આકલનમાં, પશ્ચિમ રેલવેએ 34.90ના ડેફિશિયન્સી સ્કોર સાથે સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવામાં પશ્ચિમ રેલવેનું પ્રદર્શન રાષ્ટ્રીય સ્તરે અન્ય ઝોન કરતા ઘણું ઉત્તમ અને પ્રશંસનીય રહ્યું છે.
રેલવે તંત્રએ ઉમેર્યું હતું કે કેગની ટિપ્પણીઓને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં અમદાવાદ અને સુરત સહિતના તમામ સ્ટેશનો પર આ માઇનોર ખામીઓ દૂર કરીને મુસાફરોને વધુ સારો પ્રવાસ અનુભવ પૂરો પાડવામાં આવશે.
