પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ, અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનતા 28 મે સુધી ઝાપટા વરસશે

ગઈકાલ સુધી તમિલનાડુ અને કેરળમાં થઈને અરબ સાગરમાં પ્રવેશેલી સિસ્ટમ નબળી હતી, જે આજે મજબૂત બનતા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની વકી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 22 May 2026 12:02 AM (IST)Updated: Fri, 22 May 2026 12:02 AM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-pre-monsoon-activity-begins-in-gujarat-rain-till-28th-may
AI Image
HIGHLIGHTS
  • ચોમાસું નજીકમાં આગામી 27 મેની આસપાસ કેરળના કાંઠે પ્રવેશી શકે

Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના ગરમ પવન ફૂંકાવાના કારણે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, ત્યારે આવનારા દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળે તેવા અણસાર મળી રહ્યા છે.

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ

હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, એક સિસ્ટમ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશી છે. ગઈકાલ સુધી આ સિસ્ટમ થોડી નબળી હતી, પરંતુ હવે તે મજબૂત થઈને ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ ચૂક્યો છે. અરબ સાગરની મજબૂત સિસ્ટમ સીધી ગુજરાત પર નહીં આવે, પરંતુ તેની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

28 મે સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગઈકાલે 20 મેથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે ગઈકાલે રાજકોટના સરધાર સહિતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. આગામી 28 મે સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડી શકે છે.

ધીમે-ધીમે ચોમાસું નજીક આવ્યું

ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે જે પ્રી-મોન્સૂનના ઝાપટા વરસી રહ્યા છે, તે ચોમાસું ક્યાંક નજીકમાં હોવાનું સૂચવી રહ્યા છે. હાલ નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાના 90 ટકા જેટલા વિસ્તારને કવર કરી ચૂક્યું છે. મોટાભાગે 1 જૂને કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે. જો કે આ વર્ષે વહેલું એટલે કે 27 મેની આસપાસ ચોમાસું કેરળના કાંઠે પ્રવેશ કરે તેવી પૂરેપુરી શક્યતા છે.

આજે 43.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું

ગુજરાતમાં વૈશાખ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, ત્યારે આજે પણ ઉનાળાનો આકરો મિજાજ યથાવત રહેતા 43.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ સિવાય અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદ 41.7, વડોદરા 40.4, સુરેન્દ્રનગર 42 અને સુરતમાં 35.9 ડિગ્રી નોંધાયું છે.