Weather Expert Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ ગત 8 જૂને મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. ઉનાળાની વિદાય વેળા ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એવામાં વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતીઓ આખો જૂન મહિનો બફારાથી બેહાલ થવાના છે.
હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી અનુસાર, મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ચોમાસું નબળુ પડી ગયું છે. છેલ્લા પાંચેક દિવસથી ચોમાસું એક ઈંચ પણ આગળ નથી વધ્યું. જો કે આજે મોડી રાતે અથવા આવતીકેલ ચોમાસું આળસ મરડીને બેઠુ થશે અને ધીમી ગતિએ આગળ વધી શકે છે.
જો ચોમાસું આજ ગતિ જાળવી રાખશે, તો 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી રાજ્યમાં ચોમાસું પ્રવેશ કરશે. જો કે શરૂઆતમાં ચોમાસું નબળું રેહવાના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નહીં વરશે. શરૂઆતમાં ત્રણ તબક્કામાં વરસાદની ગતિવિધિ આગળ વધશે, જેમાં 22 થી 25 જૂન વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
30 જૂન સુધી બફારા અને ઉકળાટમાં કોઈ રાહત નહીં
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે. જો કે હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થયા બાદ વરસાદ પડશે છતાં 30 જૂન સુધી ઉકળાટ અને બફારામાંથી કોઈ રાહત મળે તેમ નથી.
હાલ પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પવન 12 થી 15 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાવો જોઈએ, પરંતુ હાલ ગત 25 થી 27 કિમી સુધીની છે. જ્યાં સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ નહીં થાય, ત્યાં સુધી પવનનું જોર યથાવત રહેવાની શક્યતા છે.
