Water For All:‘Water For All’ અભિયાન હેઠળ દેશમાં જળ ભવિષ્યને સુરક્ષિત કરવા જનભાગીદારી અને સામૂહિક પ્રયાસો ખૂબ જરૂરી

Water For All: ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 06:54 PM (IST)Updated: Sat, 22 Aug 2026 06:54 PM (IST)
water-for-allhow-traditional-wisdom-and-peoples-movement-can-solve-indias-water-crisis

Water For All: ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદગમ ચેરિટીબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ(CWP), ડો.શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (SPMRF) અને i-Hubના સહયોગથી અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે ‘ ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.

પરિષદમાં નીતિ નિર્માતા, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ગ્રાસરૂટ્સ સ્તરે કાર્યરત આગેવાનો અને યુવા ઇનોવેટર્સ એકત્રિત થયા હતા. ભારતના જળ પડકારો, ભૂગર્ભજળ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા, નવીનતા અને જળ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પદ્મ ભૂષણ સન્માનિત ડો.અનિલ પ્રકાશ જોષી એ પાણીના સંરક્ષણને સામૂહિક જવાબદારી ગણાવતાં જણાવ્યું હતું કે આપણી દિશા ‘Water for All’ની હોવી જોઈએ. આ વિઝન ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે દરેક વ્યક્તિ પ્રકૃતિ સાથેના પોતાના સંબંધને સમજે અને પાણીના દરેક ટીપાને બચાવવાની જવાબદારી સ્વીકારે. જળ સુરક્ષા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી શક્ય નથી. તેના માટે આપણી વિચારસરણી, જીવનશૈલી અને કુદરતી સંસાધનો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન જરૂરી છે. સરકાર, સંસ્થાઓ, સમુદાયો અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે તો જ દરેક જીવ અને આવનારી પેઢી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકીશું.

પદ્મ શ્રી સન્માનિત ઉમાશંકર પાંડેએ જળ સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ભારતના જળ પડકારોનો ઉકેલ માત્ર સરકારના પ્રયાસોથી નહીં, પરંતુ દરેક ગામ, દરેક સમુદાય અને દરેક નાગરિકની ભાગીદારીથી શક્ય બનશે. જ્યારે લોકો પોતાના સ્થાનિક જળસ્રોતોની જવાબદારી સ્વીકારે, પરંપરાગત જળ વ્યવસ્થાઓનું સંરક્ષણ કરે અને સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે જ જળ સંરક્ષણ એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બની શકે છે. આપણી પરંપરાગત જ્ઞાન પરંપરામાં પાણીના સન્માન અને સંરક્ષણની સમજ પહેલેથી જ છે. હવે આ સામૂહિક ભાવનાને ફરીથી આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે.

 ઉદગમ ચેરિટીબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મયુર જોષી એ જણાવ્યું હતું કે જળ સુરક્ષા માત્ર સરકારોના પ્રયાસોથી પ્રાપ્ત થઈ શકે નહીં. તેના માટે જાગૃતિ, વર્તણૂકમાં પરિવર્તન અને સામૂહિક પ્રયાસ જરૂરી છે. અમારો પ્રયાસ આ ચર્ચાને કોન્ફરન્સ હોલથી સમુદાયો સુધી લઈ જવાનો અને જળ સંરક્ષણને સૌની સહિયારી જવાબદારી બનાવવાનો છે.

પરિષદમાં ભારતની પરંપરાગત જળ સંરક્ષણ પદ્ધતિઓને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. જોહડ, બાઓલી, કુંડ અને અન્ય પરંપરાગત જળસંચય પ્રણાલીઓ ના સંરક્ષણ અને પુનઃજીવન સાથે ભૂગર્ભજળ સંરક્ષણ, નદી પુનર્જીવન, જળવાયુ સ્થિતિસ્થાપકતા અને શહેરી જળ સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.