Piyush Desai Passed Away: વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઈનું નિધન, છ દાયકાની સેવા બાદ 85 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ

અમદાવાદમાં મીઠાખળી છ રસ્તા સ્થિત 'પુનીત' બંગલાથી સ્વ. પિયુષ દેસાઈની અંતિમયાત્રા નીકળી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 09:56 AM (IST)Updated: Thu, 17 Sep 2026 09:56 AM (IST)
wagh-bakri-tea-group-chairman-piyush-desai-passes-away-ahmedabad-funeral
wagh bakri tea group chairman piyush desai

Wagh Bakri Group Chairman Piyush Desai Passes Away: દેશની ટોચની ટી કંપની વાઘ બકરી ગ્રુપના ચેરમેન અને જાણીતા સેવાભાવી ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનું 15 સપ્ટેમ્બર 2026 ના રોજ નિધન થયું છે. અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 85 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પિયુષભાઈના નિધનથી ગુજરાત સહિત દેશના વેપાર-ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઈનું 85 વર્ષે નિધન

15 સપ્ટેમ્બર 2026 ના રોજ પિયુષભાઈ દેસાઈના નિધનના સમાચારથી દેશભરના વેપાર-ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગતરોજ 16 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે મીઠાખળી છ રસ્તા સ્થિત 'પુનીત' બંગલાથી સ્વ. પિયુષ દેસાઈની અંતિમયાત્રા નીકળી હતી, અને એલિસબ્રિજ નજીક વી. એસ. હોસ્પિટલ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

6 દાયકાનો અનુભવ અને પ્રતિષ્ઠિત ટી-ટેસ્ટર પણ રહ્યા

પિયુષભાઈ દેસાઈ ચા ઉદ્યોગમાં છ દાયકા એટલે કે 60 વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવતા હતા. આશરે 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતે એક પ્રતિષ્ઠિત ટી-ટેસ્ટર હતા અને ચાની કોઈ પણ નવી વેરાયટી બજારમાં મૂકતા પહેલાં જાતે જ તેની ચકાસણી કરતા હતા. ગત જાન્યુઆરીમાં નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન દ્વારા તેમને 'લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો.

દાદાના ગાંધીજી સાથેના સંબંધો અને સેવાકીય પ્રવૃત્તિઓ

પિયુષભાઈના દાદા નારણદાસ દેસાઈ દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સહયોગી હતા અને તેમણે પરત આવીને 108 વર્ષ પહેલા વાઘ બકરી કંપનીની સ્થાપના કરી હતી. પિયુષભાઈ દાદાના ગાંધીજી સાથેના આ સંબંધોને હંમેશા ખૂબ જ મહત્વ આપતા હતા. ગાંધીજીથી પ્રેરાઈને તેઓ સાબરમતી આશ્રમને સમયાંતરે મદદ કરતા હતા. વધુમાં, તેઓ ખુદના જન્મદિવસે વિવિધ ટ્રસ્ટના પ્રતિનિધિઓને બોલાવીને ચેક દ્વારા દાન આપીને જન્મદિવસ ઉજવતા હતા.

કંપનીમાં પ્રોફેશનલ્સને સ્થાન અને પરિવાર પર જવાબદારી

પિયુષભાઈએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પ્રોફેશનલ્સ અને સમાજસેવકોને સ્થાન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ પરિવારને સાથે રાખીને કંપનીએ વેપારમાં અનેકગણી વૃદ્ધિ કરી હતી. હવે પિયુષભાઈના અવસાન બાદ તેમના ભાઈ રસેશભાઈ, ભત્રીજા પારસભાઈ તથા પરિવારના અન્ય સભ્યોના શિરે કંપનીની જવાબદારી આવી છે.