વિશ્વ ઉમિયાધામ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કર્યું શિલાપૂજન: કહ્યું, 'નકલી દેવી-દેવતાઓથી દૂર રહો'

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના આગમનથી પરિસરમાં અત્યંત ભક્તિમય અને ઉત્સાહસભર વાતાવરણ સર્જાયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 03:29 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:35 PM (IST)
vishwa-umiyadham-shila-pujan-shankaracharya-sadanand-saraswati-ahmedabad

Ahmedabad News: વિશ્વના સૌથી ઊંચા મંદિર એવા અમદાવાદના વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે દ્વારકા પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ઉપસ્થિત રહીને શિલાપૂજન કર્યું હતું. આ સાથે તેમણે વિશ્વ ઉમિયાધામના નિર્માણાધીન ગર્ભગૃહ અને મંદિર નિર્માણકાર્યનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. દર્શન અને મુલાકાત દરમિયાન શંકરાચાર્યજીએ સનાતન ધર્મ, મૂળ પરંપરાઓ અને વિશ્વ કલ્યાણ અર્થે મહત્વપૂર્ણ આશીર્વચન પાઠવ્યા હતા.

'વિશ્વ ઉમિયાધામ સનાતન ધર્મનું પ્રતિક બનશે'

મંદિર પરિસરની મુલાકાત લીધા બાદ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામ આવનારા સમયમાં સનાતન ધર્મનું ભવ્ય પ્રતિક બનશે. તેમણે પરિસરમાં વ્યાપ્ત ઊર્જાને અત્યંત સકારાત્મક ગણાવી હતી અને કહ્યું કે અહીં જગતજનની મા ઉમિયાની કૃપાની દિવ્ય તરંગો અનુભવાય છે.

અસ્થાયી અને સ્થાયી આયોજન વચ્ચેનો તફાવત સમજાવતાં તેમણે કહ્યું કે, ઘણા લોકો અસ્થાયી આયોજન કરતા હોય છે, પરંતુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સ્થાયી આયોજન હેઠળ મા ઉમિયાના સ્થાનને બૃહદ અને ભવ્ય સ્વરૂપ આપવાનો મોટો સંકલ્પ કર્યો છે. આ શિવ-શક્તિનો અનુપમ ઉપહાર માત્ર એક સમાજ કે દેશ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ ઉમેર્યું કે, જ્યારે કાર્ય નિસ્વાર્થ ભાવથી પોતાની કુળદેવી અને આવનારી પેઢી માટે કરવામાં આવે છે, ત્યારે મા ઉમિયાની કૃપાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને નિર્માણ કાર્ય સતત આગળ વધતું રહે છે.

 

'નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, પંચદેવની પૂજા કરો'

પોતાના આશીર્વચનમાં શંકરાચાર્યજીએ સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો પર ભાર મૂકતા શ્રદ્ધાળુઓને આહ્વાન કર્યું કે:

પંચ દેવ ઉપાસના: આપણે સનાતન ધર્મી અને પંચ દેવના ઉપાસક છીએ. આપણા પૂર્વજો જે મૂળ પરંપરાથી પૂજા કરતા આવ્યા છે તેનું જ પાલન કરવું જોઈએ.

મૂળ ધર્મગ્રંથોનું સાતત્ય: શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, 18 પુરાણ અને 4 વેદો જેવા શાસ્ત્રોક્ત ગ્રંથોમાં વર્ણવેલી પરંપરાઓ જ આપણો સાચો માર્ગ છે.

બનાવટી દેવી-દેવતાઓથી સાવચેતી: સિનેમા કે અન્ય માધ્યમો દ્વારા ઊભા કરવામાં આવેલ અને શાસ્ત્રો કે પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી તેવા નકલી કે બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાથી બચવું જોઈએ. કારણ કે, તેનાથી આપણી મૂળ ધાર્મિક પરંપરા નષ્ટ થાય છે.

સાચા હિંદુના લક્ષણો: તેમણે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પંચ દેવની ઉપાસના કરે છે, ધર્મશાસ્ત્રોને માને છે, સોમનાથ દાદા, દ્વારકાધીશ, 4 ધામ, 9 દુર્ગા, 10 મહાવિદ્યા અને મા ઉમિયા, અંબાજી તથા આશાપુરા જેવા કુળદેવી અને કુળદેવતાઓને માને છે તે જ સાચો સનાતની હિન્દુ છે.

આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના આગમનથી પરિસરમાં અત્યંત ભક્તિમય અને ઉત્સાહસભર વાતાવરણ સર્જાયું હતું.