United Waves of Ahmedabad 2025: ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી એ દિવસ પૂરતા ગરબાનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે ખેલૈયાઓમાં પણ નારાજગી જોવા મળી હતી. જો કે હવે નવરાત્રિનો પર્વ તેના અંતિમ પડાવમાં છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવા માગે છે.
એકતરફ વરસાદને લીધે નવરાત્રિનું આયોજન મોટાભાગની જગ્યાએ બંધ હતું પણ ભાડજ સર્કલ નજીક યુનાઈટેડ વેવ્સ ઓફ અમદાવાદ 2025ના ગરબાનું આયોજન બંધ નહોતું. અહીં ગઈકાલે પણ રાતે ખેલૈયાઓ મનમૂકીને સુગમ ગરબાના તાલે ગરબે રમ્યા હતા.
મહત્ત્વનું છે કે, યુનાઈટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબામાં ખેલૈયાઓને વરસાદને લીધે તકલીફ ના પડે એ માટે આયોજકો દ્વારા તમામ વ્યવસ્થા અને સંચાનલ કરવામાં આવ્યું હતું. વરસાદ પડ્યો હોવા છતાં ગ્રાઉન્ડ ક્લિન હતું. જેથી કાદવ કિચડ વગર ખેલૈયાઓ ગરબે રમી શક્યા હતા.
અમદાવાદના ગરબા રસિકો માટે આ વખતે પહેલીવાર વડોદરાની પ્રખ્યાત ‘યુનાઈટેડ વે’ ગરબાની શૈલીમાં ‘યુનાઈટેડ વેવ્ઝ ઓફ અમદાવાદ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં અમદાવાદીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
રંગબેરંગી લાઇટ્સ, સુંદર ડેકોરેશન અને નવી થીમથી લોકો અભિભૂત થઈ ગયા. આ આયોજન અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ માતાજીની આરાધનામાં ડૂબી ગયા.
