સ્માર્ટ મીટર બંધ થઈ જાય તો ચાલુ કરવાં ઓફિસે આવવું પડશે! UGVCLના કસ્ટમર કેરમાં ફોન કરતાં આપ્યો ઉડાઉ જવાબ!

ગુજરાતમાં UGVCLના સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોની ફરિયાદો વધી. કોઈ પૂર્વ સૂચના વિના વીજ કનેક્શન કપાવા, માસિક બિલિંગ અને મીટર ફરી ચાલુ કરાવવા ઓફિસે બોલાવવાના આક્ષેપો વચ્ચે જાણો સમગ્ર મામલો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 12:27 PM (IST)Updated: Sat, 21 Nov 2026 12:27 PM (IST)
ugvcl-smart-meter-electricity-disconnection-customers-office-complaint-gujarat

UGVCL Smart Meter Problem: "સ્માર્ટ મીટરથી ગ્રાહકોને કોઈ નુકસાન નથી, તેનાથી પારદર્શિતા વધશે" આવા મોટા-મોટા દાવાઓ અને મીઠી વાતો કરીને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ઘરે-ઘરે સ્માર્ટ મીટર ફીટ કરી દેવામાં આવ્યા. પરંતુ હવે આ 'સ્માર્ટ' સુવિધા સામાન્ય ગ્રાહકો માટે માનસિક ત્રાસ અને વીજ કંપનીની દાદાગીરીનું માધ્યમ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બિલિંગ સાયકલમાં બદલાવ અને 'ઓટો-ડિસ્કનેક્શન'નો ત્રાસ

અત્યાર સુધી ગ્રાહકોને દર બે મહિને વીજ બિલ આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા બાદ UGVCL દ્વારા બિલિંગ સાયકલ બદલીને દર મહિને બિલ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ મહત્વપૂર્ણ ફેરફાર અંગે ગ્રાહકોને કોઈ સ્પષ્ટ જાણ કરવામાં આવી નથી. પરિણામે, ગ્રાહકો બે મહિનાના હિસાબે નિશ્ચિંત હોય છે અને અચાનક એક દિવસ તેમના ઘરની લાઈટ બંધ થઈ જાય છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ઓફિસમાં બેઠા-બેઠા જ રિમોટ સિસ્ટમથી ગ્રાહકોના મીટર બંધ (ડિસ્કનેક્ટ) કરી દેવામાં આવે છે.

કસ્ટમર કેરમાં ઉદ્ધત વર્તન અને ધક્કા ખાવાની નોબત

જ્યારે અચાનક વીજળી ગુલ થતાં ગ્રાહકો UGVCLના કસ્ટમર કેર નંબર પર ફરિયાદ કરવા ફોન કરે છે, ત્યારે મદદ મળવાને બદલે કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. ગ્રાહકોને સંતોષકારક જવાબ આપવાના બદલે "મીટર ફરી ચાલુ કરાવવું હોય તો રૂબરૂ ઓફિસે આવવું પડશે" તેવા ઉડાવું જવાબો આપીને ફોન મૂકી દેવામાં આવે છે. 'ડિજિટલ અને સ્માર્ટ' સુવિધાના નામે ગ્રાહકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ બાબતે યુજીવીસેએલ ઓફિસ સેલાનો પક્ષ જાણવા માટે ગુજરાતી જાગરણે ફોન કર્યો હતો. તો સાહેબ સાથે વાત કરાવું તેવું કહી લાંબો સમય ફોનને હોલ્ડ પર રાખી દીધો હતો અને વાત કરી ન હતી.

રાજ્યમાં અગાઉ પણ સ્માર્ટ મીટર સામે ઉઠ્યો છે વિરોધનો વંટોળ

ગુજરાતમાં સૌથી પહેલા વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ હતી. અહીં વધુ પડતા બિલ આવવા અને બેલેન્સ પૂરું થતાં જ અચાનક વીજળી બંધ થઈ જવાની ફરિયાદો ઉઠી હતી. લોકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે તંત્રએ કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવવી પડી હતી અને જૂના મીટર પરત લગાવવાની ફરજ પડી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ બિલિંગની અનિયમિતતા અને પ્રી-પેઈડ સિસ્ટમ જેવા નિયમોના કારણે ગ્રાહકોએ સ્માર્ટ મીટરનો બહિષ્કાર કર્યો હતો.

ગ્રાહકોનો સવાલ: આ 'સ્માર્ટ' સુવિધા છે કે સજા?

સામાન્ય નાગરિકોનો સીધો સવાલ છે કે જો વીજ કંપનીએ બિલિંગનો સમયગાળો બે મહિનાથી ઘટાડીને એક મહિનો કર્યો હોય, તો તેની યોગ્ય જાણ ગ્રાહકોને કેમ ન કરવામાં આવી? અને જો કોઈ કારણસર બિલ ભરવામાં વિલંબ થાય, તો પણ નોટિસ કે રિમાઇન્ડર આપ્યા વિના સીધું મીટર બંધ કરી દેવું એ કયા નિયમમાં આવે છે? UGVCLના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક ધ્યાન આપી કર્મચારીઓની દાદાગીરી પર લગામ લગાવે અને ગ્રાહકોને પડતી હાલાકી દૂર કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.