Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. મુખ્યમંત્રી બુધવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.
તેઓ 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે 10 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.