TAT Main Exam 2026: ગુજરાતમાં આજે TAT મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારો આપશે બે શિફ્ટમાં પરીક્ષા

TAT મુખ્ય પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 20 Sep 2026 09:48 AM (IST)Updated: Sun, 20 Sep 2026 09:48 AM (IST)
tat-secondary-main-exam-2026-today-gujarat-candidates-and-exam-centres-details
AI Generated Image

TAT Secondary Main Exam 2026: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણુંક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TAT Secondary) ની મુખ્ય પરીક્ષાનું અમદાવાદ સહિત રાજ્યભરના તમામ મોટા શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી મુખ્ય કસોટી માટે લાયક 75,000થી વધુ ઉમેદવારો માટે સમગ્ર રાજ્યમાં કુલ 493 પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા છે. પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30 કલાકથી જ એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી અને 10:30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે.

બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન અને કડક SOP 

TAT મુખ્ય પરીક્ષા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) ના ચુસ્ત પાલન સાથે બે અલગ-અલગ શિફ્ટમાં લેવામાં આવી રહી છે:

પ્રથમ શિફ્ટ: સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધીના આ સેશનમાં ભાષા ક્ષમતા અંતર્ગત નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.

બીજી શિફ્ટ: બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીના આ સેશનમાં ઉમેદવારે પસંદ કરેલા વિષયનું કન્ટેન્ટ (વિષયવસ્તુ) અને મેથડ (શિક્ષણ પદ્ધતિ) આધારિત બીજું પેપર લેવાશે.

ઉમેદવારો ગુજરાતી માધ્યમના 9 અને અંગ્રેજી માધ્યમના 7 મળીને કુલ 16 વિષયમાં પરીક્ષા આપી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકોને SOP નું અક્ષરશઃ પાલન કરવા કડક તાકીદ કરવામાં આવી છે.

મુખ્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો અને કુલ ઉમેદવારો

રાજ્યભરમાં કુલ 493 પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા છે, જેમાં મુખ્ય શહેરોમાં વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારો માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલ માટે કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઈઝરો અને ઓબ્ઝર્વરોને ખાસ તાલીમ આપવામાં આવી છે, તેમજ સરકારી પ્રતિનિધિઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં 171 સેન્ટર પર 31 હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં પૂર્વ વિસ્તારમાં 84 કેન્દ્રો પર 15 હજારથી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. 

સુરત: સુરત જિલ્લામાં કુલ 15,958 ઉમેદવારો માટે 84 બિલ્ડિંગમાં 806 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં અંદાજે 15,000 ઉમેદવારો માટે 85 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વડોદરા: વડોદરા શહેરમાં કુલ 63 પરીક્ષા કેન્દ્રો પર 12,546 ઉમેદવારો પરીક્ષા આપશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની સૂચનાઓ

પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા સ્થળની માહિતી અગાઉથી ચકાસી લેવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને નિયત સમય પહેલા કેન્દ્ર પર પહોંચી જવા અપીલ કરવામાં આવી છે.