Sugar Price Hike: દિવાળી અને નવરાત્રી જેવા તહેવારોની સીઝન શરુ થતાંની સાથે જ ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 6 દિવસમાં ખાંડના ભાવમાં 17 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જેના લીધે મધ્યમ વર્ગના લોકોને ગંભીર અસર પડશે. અમદાવાદના હોલસેલ બજારમાં પ્રતિ કિલો ખાંડનો ભાવ રુ.55થી 60 સુધી છે. જ્યારે છૂટક બજારમાં આ ભાવ પ્રતિ કિલો રુ.75થી રુ,80 પહોંચી ગયો છે.
ગ્રાહકો અને વેપારીઓને થશે અસર
દિવાળી નજીક આવતા જ મીઠાઈઓ અને ખાંડ આધારિત ખાદ્યપદાર્થોની માંગમાં વધારો જોવા મળે છે. પરંતુ ખાંડના ભાવ વધારાને લીધે સામાન્ય ગ્રાહકોના ઘરના બજેટ પર સીધી અસર પડી રહી છે. તહેવારોમાં બરફી, પેંડા, લાડુ અને કાજુ કતરી જેવી મીઠાઈઓની ખરીદી વધારે થતી હોય છે.
જ્યારે મીઠાઈ ઉત્પાદકો, બેકરી ઉદ્યોગમાં ખાંડ મોંઘી થતાં ઉત્પાદન ખર્ચ વધી જશે, બિસ્કિટ, કેક, ચોકલેટ અને ઠંડા પીણાં બનાવતી કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ આવશે. જો ખાંડના ભાવ આમને આમ વધતા રહેશે તો છૂટક વસ્તુઓ પણ મોંઘી થઈ શકે તેવા અણસાર છે.
ખાંડના ભાવમાં વધારો થવાના કારણો
ગ્લોબલ બિઝનેશ ફાઉન્ડેશનના સેક્રેટરી ડો. હિરેન ગાંધીના જણાવ્યા પ્રમાણે, દિવાળી-નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન હોલસેલ બજારોમાં જરુરિયાત પ્રમાણે, ખાંડનો સ્ટોક સરકારે છૂટો કર્યો નથી જેના લીધે માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાયું છે, આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં 33% નો ઘટાડો નોંધાયો છે, દેશના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. તેમજ યુપી અને એમપીમાં ખરાબ વાતાવરણના કારણે શેરડીનું વાવેતર મોડું થયું છે.
