Gujarat SIR New Voter List 2026: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
તમારા જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી 2026 જોવા માટે ક્લિક કરો:
હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 33 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા 54,443 BLA તથા 30,833 જેટલા સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે.
રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે.જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે.શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા, નગરપાલિકાના અધિકારીઓ,કર્મચારીઓને પણ જોડવામાં આવ્યાં હતા.ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR માં સહયોગ માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને પણ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે.એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જેમાં,
• અવસાન પામેલા મતદારો- 18,07,278
• ગેરહાજર મતદારો- 9,69,662
• કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
• બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.
• અન્ય- 1,89,364 હતા.
વ્યાપક પ્રચાર પ્રસિધ્ધિ બાદ તથા BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યા છતાં BLOને ઉપર દર્શાવેલ મતદારો મળ્યાં નથી કે તેમના ગણતરી ફોર્મ પરત આવ્યા નથી. તેનું કારણ કદાચ તેઓ અન્ય સ્થળે સ્થાયી થઇને ત્યાનાં મતદાર બની ગયા હોય અથવા હયાત જ ન હોય અથવા નિયત સમયમાં ફોર્મ જમા ન કરાવી શક્યાં હોય અથવા તો મતદાર તરીકે નોંધણી કરાવવા ન માંગતા હોય.આવા મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ નથી કરાયા.
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
સતત દોઢ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ મુસદ્દા મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે.મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.
દરેક જિલ્લામાં મુસદ્દા મતદાર યાદીની બે નકલો (1 ફોટાવાળી પ્રિન્ટેડ તથા 1 ફોટા વગરની સોફ્ટ કોપી) તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપ્રત કરવામાં આવી છે. સાથે સાથે એવા મતદારો કે જેમની પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત નથી થયાં તેઓની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે. જેથી BLA પણ જરૂર પડ્યે આવા મતદારોની સત્યતા પ્રસ્થાપિત કરી શકે. તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનીધીઓને પણ અપીલ કરવામાં આવી છે કે આ બંને યાદીની બારીકાઇથી ચકાસણી કરે અને તા.18મી ફેબ્રુઆરી,2026 સુધીમાં જો કોઇ વાંધા-દાવા હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને મતદારોને સહાયરૂપ બને.નિયત સમયમાં મળેલા વાંધા-દાવાઓ વિશે ચકાસણી કરીને સબંધીત ચૂંટણી અધિકારી દ્વારા મતદારને નોટીસ મોકલીને તેની રૂબરૂ રજૂઆત બાદ જ સ્પષ્ટ હુકમ મારફતે મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે ન કરવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.
તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિધ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.
મતદારોને ખાસ જણાવવાનું કે,
આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો.
• વેબસાઇટ http://ceo.gujarat.gov.in
• વોટર પોર્ટલ : voters.eci.gov.in
• ECINET App
• BLO પાસેથી
• જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
મુસદ્દા મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
