Ahmedabad News: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લાખો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ અમદાવાદની મેટ્રો કનેક્ટિવિટીને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે શેલા ખાતે એક અત્યંત આધુનિક મેટ્રો ડેપો અને કંટ્રોલ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્યાસપુર અને એપરેલ પાર્ક બાદઆ શહેરનો ત્રીજો સૌથી મોટો મેટ્રો ડેપો હશે. જે અંદાજિત રુ.165.65 કરોડના ખર્ચે બનીને તૈયાર થશે. વર્ષ 2030 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શહેરીજનોને મુસાફરીમાં સરળ બનશે
શેલામાં નિર્માણ પામનારા આ નવા ડેપોનો સૌથી મોટો ફાયદો પશ્ચિમ વિસ્તારના રોજિંદી મુસાફરી કરતાં લોકોને થશે. અહીં 9,609 ચોમીથી વધુ વિસ્તારમાં એક વિશાળ સ્ટેબલિંગ યાર્ડ તૈયાર કરવામાં આવશે. જ્યાં ટ્રેનોના પાર્કિંગ અને રાત્રિ રોકાણની વ્યવસ્થા હશે. આ સુવિધાને કારણે પશ્ચિમ વિસ્તારના સ્ટેશનો પરથી વહેલી સવારે વધુ મેટ્રો ટ્રેનો ઝડપથી રવાના કરી શકાશે. જેનાથી ઓફિસ જતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પોતાના નિર્ધારિત સ્થાન સુધી ઝડપથી પહોંચી શકશે. જેથી તેમનો કિમતી સમય બચશે. ઉપરાંત આ ડેપ મેટ્રોના આગામી ફેઝ-3ના સંચાલનમાં પણ કરોડરજ્જુ સમાન સાબિત થશે.
મેક ઈન ઈન્ડિયા' અને ગ્રીન એનર્જીનો સુમેળ
આ પ્રોજેક્ટ માત્ર સુવિધા જ નહીં, પરંતુ પર્યાવરણ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ બેનમૂન હશે જેમાં, ડેપોની છત એવી મજબૂત ટેકનોલોજીથી બનાવાશે જે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે પણ અડીખમ ટકી શકે, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર પરિસરમાં સોલર પેનલ્સ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન કરાયું છે, આ સમગ્ર ડેપોના નિર્માણમાં 'મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત તૈયાર થયેલી સામગ્રી અને ભારતીય સાધનોનો જ ઉપયોગ કરવામાં આવશે.
24 કલાક ડિજિટલ મોનિટરિંગ
શેલા ડેપોના પરિસરમાં મેટ્રો નેટવર્કનું મુખ્ય ઓપરેશન કંટ્રોલ સેન્ટર અને વહીવટી ઈમારત પણ ઊભી કરાશે. અહીંથી સમગ્ર મેટ્રો લાઈનની ટ્રેનોની આવન-જાવન અને સિગ્નલિંગ સિસ્ટમ પર 24 કલાક ડિજિટલ નજર રાખી શકાશે. સાથે જ, મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ડેપોમાં ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ અને હાઈટેક મેન્ટેનન્સ વર્કશોપ પણ સ્થાપવામાં આવશે.
