Shela Ahmedabad Garba: આચાર્ય ચાણક્યે કહ્યું છે કે ‘સ્ત્રી રત્ન સમાન અન્ય કોઈ રત્ન નથી.’ ઘર-પરિવારથી લઈને સમગ્ર સમાજજીવનને ધબકતું રાખવામાં મહિલાઓનું યોગદાન અતુલનીય રહ્યું છે. આ જ નારીશક્તિનો આદર કરવા માટે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ‘કૃપાલ બચપન’ સોસાયટીના રહીશોએ આ નવરાત્રિએ એક પ્રેરણાદાયી અને યાદગાર પહેલ કરી છે. સોસાયટીના ખેલૈયાઓએ મા અંબાની ભક્તિની સાથે સોસાયટીની નારીશક્તિને બિરદાવવા માટે ‘કુમકુમ પગલાં’નો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.
144 પરિવારોએ ભેગા મળી 15x15 ફૂટના કાપડ પર છાપ કંડારી
સોસાયટીના તમામ 144 પરિવારોએ એકજૂથ થઈને આશરે 15×15 ફૂટના મોટા કાપડ પર સોસાયટીમાં રહેતી તમામ સ્ત્રીઓના કંકુ વાળા પગલાંની છાપ પાડી હતી. આ અનોખા પોસ્ટરમાં 3 મહિનાની બાળકીથી લઈને 85 વર્ષના વડીલ દાદી સુધીના તમામ સભ્યોના કુમકુમ પગલાં કંડારવામાં આવ્યા હતા. કંકુને ભારતીય સંસ્કૃતિમાં શુભ અને લક્ષ્મીજીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે, જેથી આ પ્રતિકાત્મક પગલાં થકી સમગ્ર સોસાયટીએ નારીરત્ન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
7 દિવસની મહેનત અને સાંસ્કૃતિક ચિહ્નોથી સજાવટ
આ વિશાળ પોસ્ટર તૈયાર કરવા માટે સોસાયટીના સભ્યોએ આશરે એક અઠવાડિયા સુધી સતત મહેનત કરી હતી. કંકુના પગલાં સિવાય સોસાયટીની મહિલાઓએ જાતે જ આ કાપડ પર સાથિયા, માતાજીની નેત્ર-આકૃતિ, બિંદી અને સુશોભિત ચિહ્નો દોરીને તેને આકર્ષક બનાવ્યું હતું. સાથે જ ‘શુભ નવરાત્રિ’નો પવિત્ર સંદેશ આલેખવામાં આવ્યો હતો. આ પોસ્ટરને ગરબા સ્થળે સ્થાપિત કરીને તમામ રહીશોએ મા જગદંબાના ચરણોમાં શિશ નમાવ્યું હતું.

સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ
આજના આધુનિક યુગમાં ઘર સંભાળતી ગૃહિણી હોય કે ઓફિસે જતી વર્કિંગ વુમન—દરેક સ્વરૂપે નારી સમાજનો મજબૂત આધારસ્તંભ છે. માતા, બહેન, પુત્રી કે દાદી તરીકે ઘરને સમૃદ્ધ બનાવતી મહિલાઓની મહેનત અને સમર્પણને બિરદાવીને ‘કૃપાલ બચપન’ સોસાયટીએ અન્ય સોસાયટીઓ માટે પણ સંસ્કાર અને સમભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
