Ahmedabad News: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા વિવિધ માગણીઓને લઇને અમદાવાદના ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિક્યુરિટી ગાર્ડે ઓછા પગાર, હક્કની રજાઓનો અભાવ અને ઓવરટાઈમનું મહેનતાણું ન ચૂકવાતા હોવા સહિતના મુદ્દે હડતાળ પાડી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, ઇન્કમટેક્સ નજીક આવેલા ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ એકઠા થયા હતા. આ ગાર્ડ્સ દ્વારા 'ગૌરવ સિક્યુરિટી એજન્સી' સામે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમની મુખ્ય ફરિયાદોમાં કરાર મુજબનો પગાર ન મળવો, ફરજિયાત ઓવરટાઈમ છતાં વધારાનું મહેનતાણું ન ચૂકવવું, અને હક્કની રજાઓ ન આપવી છે જેને પગલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા સિક્યુરિટી ગાર્ડ પુષ્પાબેન રાજપૂતે જણાવ્યું હતું કે, અગાઉ તેમને પ્રતિ દિવસ રૂ.496 ચૂકવવામાં આવતા હતા, જે ઘટાડીને હવે રૂ. 476 કરી દેવામાં આવ્યા છે. આ અંગે તેમણે સુપરવાઈઝરને ફરિયાદ કરી હતી, જેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. ગાર્ડ્સનો આક્ષેપ છે કે, ગાર્ડ્સનો પક્ષ લેવા બદલ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ગાર્ડ્સે નીનામા સાહેબને નોકરીમાં પાછા લેવાની પણ માગણી કરી છે.
સિક્યુરિટી ગાર્ડ્સના આક્ષેપ અનુસાર, ભરતી સમયે તેમને જે પગાર અને સુવિધાઓની ખાતરી આપવામાં આવી હતી, તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી. તેમને નિયત પગાર કરતાં ઓછો પગાર મળે છે અને ઘણી વખત પગારમાં કાપ પણ મૂકવામાં આવે છે. આ ઉપરાંત, તેમને પૂરતી રજાઓ આપવામાં આવતી નથી અને રજા માંગનાર ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવે છે. ગાર્ડ્સે લાંબા સમય સુધી ડ્યુટી કરાવવામાં આવતી હોવા છતાં ઓવરટાઈમનો પગાર ન મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ તમામ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ્સે સત્વરે ન્યાય અને તેમની માગણીઓની પૂર્તિ કરવાની માંગ કરી છે.
